Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બુદ્ધિ અને ચાતુર્ય એ કોઇની જાગીર નથી, તે ડાંગના વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું છેઃ સાપુતારામાં શાળા પ્રવેશતોત્સવ કાર્યક્રમ વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવને કારણે સમાજમાં વ્યાપક જાગૃતિ આવી છેઃ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પૂ. રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં સાંદિપની વિદ્યા સંકૂલનું લોકાર્પણ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં અત્યાધુનિક શાળા સંકુલનું નિર્માણ કરીને તેને પ્રજાર્પણ કરવાની દ્રઢ ઇચ્છાશકિત સાથે, મંદિરો નહીં પરંતુ શાળાઓની સમાજને વધુ જરૂર છે તેવી ભાવના કેળવનારા ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાની ઉચ્ચત્તમ કાર્યશૈલીને બિરદાવી હતી.

તત્કાલિન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના આહ્રવાનને કારણે આજે ટ્રસ્ટના અથાગ પ્રયાસોને લીધે, અશકય કાર્યને શકય બનાવીને દાખલારૂપ કામગીરી કરવામાં આવી છે તેમ જણાવી શ્રી રૂપાણીએ અભાવ વચ્ચે રહેતા લોકો માટે દાતાઓનો સહયોગ કેળવવાની શ્રી રમેશભાઇ ઓઝાની ભાવનાની પણ સરાહના કરી હતી.

રાજ્ય સરકાર સૌના સાથ, અને સૌના સહયોગથી વંચિત વિસ્તારોમાં અનેક નવા આયામો શરૂ થાય તે માટે પ્રતિબદ્ધ છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે રાજ્ય સરકાર પણ દાતાઓ, સંસ્થાઓની સાથે છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ડાંગ જેવા દુર્ગમ અને આદિવાસી વિસ્તારના તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-૧૦/૧રના શ્રેષ્ઠ પરિણામે, બુદ્ધિ અને ચાતુર્ય એ કોઇની જાગિરી નથી તે ડાંગના આદિવાસી વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું છે તેમ સહર્ષ જણાવ્યું હતું.

ગિરિમથક સાપુતારા ખાતે સાંદિપની વિદ્યા સંકુલના નવનિર્મિત સંકુલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અહીં નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવીને, તેમને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવને કારણે આદિવાસી ક્ષેત્રમાં પણ શિક્ષણની ભૂખ ઉઘડી છે તેમ જણાવી શ્રી રૂપાણીએ શાળા પ્રવેશોત્સવની સફળગાથા વર્ણવી હતી.

એક સમયે મૃતઃપાય અવસ્થામાં સપડાયેલી શૈક્ષણિક સંસ્થાઓના નવસર્જન કરવાના ભાગરૂપે શિક્ષણ પ્રત્યે સમર્પિત સામાજિક સંસ્થાઓને સોંપવાના તત્કાલિન નિર્ણયનો ખ્યાલ આપતા, મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શ્રી ભારત સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ-પોરબંદર અને તેના કર્મઠ કાર્યકરોના સમર્પણભાવને બિરદાવ્યો હતો.

સાંદિપની વિદ્યા સંકુલના લોકાર્પણ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવને કારણે આજે સર્વત્ર લોકજાગૃતિ જોવા મળી રહી છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

ભારતને વિશ્વગુરૂ બનાવવાના સર્જાયેલા સાનુ કૂળ સંજોગોનો ઉલ્લેખ કરીને શ્રીમતી આનંદીબેન પટેલે આપણી ઉચ્ચત્તમ પરંપરા, જ્ઞાનને સમાજનો દરેક વ્યકિત તેની સ્વયં જવાબદારી સમજીને સહયોગી બને તો ભારત બહુ જ ઝડપથી વિશ્વગુરૂ બનવાનું સ્વપ્ન સાકાર કરશે તેમ જણાવ્યું હતું.

ગુજરાતના શાળા પ્રવેશોત્સવને જ્ઞાનનું સન્માન ગણાવતા પ.પૂ.કાર્ષ્ણિ મહારાજે શિક્ષણ અને જ્ઞાનના યજ્ઞકાર્યને વંદનિય, પૂજનિય ગણાવ્યું હતું.

વિશ્વ કલ્યાણ અર્થે જ્ઞાન ખૂબ જ આવશ્યક છે તેમ જણાવતા વૃંદાવનના પ.પૂ.કાર્ષ્ણિ ગુરૂશરણાનંદજી મહારાજે ભારતવર્ષમાં હજારો વર્ષોથી જ્ઞાન અને જ્ઞાનિજનોનું પૂજન, અને ગૌરવ થઇ રહ્યું છે તેમ સહર્ષ જણાવ્યું હતું.

જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપનારા દાતાશ્રીઓની ઉદાર ભાવનાને બિરદાવી, આ દેવકાર્ય માટે સહયોગી પ્રગટ, અપ્રગટ દાતાઓને પણ મહારાજશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા.

ગુણવત્તાલક્ષી શિક્ષણનાં લક્ષ સાથે આગામી દિવસોમાં સાંદિપની વિદ્યા સંકુલ ખાતે અનેકવિધ નવા આયામો પ્રજાર્પણ કરવાની નેમ વ્યકત કરતા શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ-પોરબંદરના પૂ.ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાએ, દાતાઓ દ્વારા અપાયેલા દાનને મનુષ્ય જીવનનાં પ્રત્યેક શ્વાસને સાર્થક કરવાની સાધના ગણાવી હતી.

કથાના માધ્યમથી પ્રજાજનોને શિક્ષિત કરવાનું યજ્ઞકાર્ય કરનારા શ્રી ભાઇશ્રીએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે દાતાઓની કયારેય કમી નથી રહી તેમ જણાવતા, સાંદિપની વિદ્યાલય-સાપુતારા ખાતે આદિવાસી બાળકો, પ્રતિભાઓને ખીલવવાનું પૂણ્યકાર્ય થઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

સમાજના દાનવીર દાતાઓના આર્થિક સહયોગથી સરકારની સાથે ખભેખભા મિલાવી પ્રજાકલ્યાણના દરેક ક્ષેત્રોમાં સીમાચિન્હરૂપ કાર્ય થઇ શકે છે તેમ શ્રી રમેશભાઇ ઓઝાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું.

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશવિદેશના દાતાઓ સહિત ડાંગ કલેકટર શ્રી બી.કે.કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, સૂરતના રેન્જ આઇ.જી. શ્રી જી.એસ.મલિક, ડાંગના પોલીસ અધિક્ષક શ્રી અશોક મુનિયા, ભારત પર્યટન વિભાગના ડીરેકટર શ્રી કરસનભાઇ પટેલ, ડાંગના માજી ધારાસભ્ય, સાપુતારા હોટલ એસોસિએશનના પ્રમુખ શ્રી ઉપેન્દ્ર પટેલ અને સેક્રેટરી શ્રી તુકારામ કરડીલે, સહિત સાપુતારા નોટીફાઇડ એરીયાના ચીફ ઓફિસર શ્રી બી.એમ.ભાભોર, જિલ્લા તથા જિલ્લા બહારના મીડિયાકર્મીઓ, માહિતી વિભાગની ટીમ, શાળા પરિવાર વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા સંસ્થાના કો ઓર્ડિનેટર શ્રી ડી.એચ.ગોયાણીએ માત્ર ૮૦ દિવસમાં જ તૈયાર થયેલા શાળા સંકુલ અને તેના બાંધકામની વિગતો રજુ કરી હતી.

(6:44 pm IST)