Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

બારડોલી સ્થિત અભયમ ટીમે યુવતીને મદદ કરીને યુવકની હેરાનગતિમાંથી મુક્ત કરાવી

પલસાણા તાલુકાની એક યુવતીને એક યુવક કેટલાય સમયથી મોબાઈલ ફોન કરીને મળવાની માંગણી કરતો હતો

સુરત:  પલસાણા તાલુકાની એક યુવતીએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરીને જણાવ્યું કે, એક યુવક તેને કેટલાય સમયથી મોબાઈલ ફોન કરીને મળવાની માંગણી કરી રહ્યો છે. જેથી બારડોલી સ્થિત અભયમ રેસ્ક્યું ટીમે યુવતીને મદદ કરીને યુવકની હેરાનગતિમાંથી યુવતીને બચાવી હતી.

વધુ વિગતો જોઈએ તો હિમાનીબેન(નામ બદલ્યું છે)એ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું કે, એક અજાણ્યો યુવક સતત તેના પર્સનલ મોબાઈલ ઉપર કોલ કરીને તેને મળવા બોલાવી હૈરાન કરી રહ્યો છે. જેથી બારડોલીની ૧૮૧ અભયમ રેસ્ક્યું ટીમે સમગ્ર ઘટનાની હકીકત જાણી હિમાનીને અજાણ્યા યુવકને મળવાની હા પાડી એક સ્થળ પર બોલાવવા કહ્યું હતું. તે સમયે હિમાનીબેન ખુબ ગભરાઈ ગયા હતા. પરંતુ અભયમ ટીમે તેમને સાંત્વના આપી હિંમત વધારી હતી. અંતે ૧૮૧ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હિમાનીબેનને મળવા આવેલા અજાણ્યા યુવકને ઝડપીને તેની પુછપરછ કરી હતી.

અજાણ્યા યુવકે જણાવ્યું હતું કે, “મને એક ત્રાહિત વ્યક્તિ દ્વારા હિમાનીબેનને ભવિષ્યમાં બ્લેકમેલ કરવા હેતુથી વીડિયો બનાવવા માટે ૫૦૦ રૂપિયા મળ્યા હતા.” સમગ્ર હકીકત જાણીને અભયમ ટીમે યુવકનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. આ ઉપરાંત હિમાનીબેનને પણ આ બાબતે કાયદાકીય સમજ આપીને પોલીસ સ્ટેશનમાં અરજી આપવાનું સુચન કર્યું હતું, જેના ભાગરૂપે હિમાનીબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(9:18 pm IST)