Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ધોરણ 10-12ના પરિણામની કોઈ તારીખ જાહેર થઈ નથી

વિદ્યાર્થીઓ, વાલીએ અને શાળ સંચાલકો ગેરમાર્ગે ન દોરવાય: સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ ફરતી થઈ હોવાની શિક્ષણ વિભાગની સ્પષ્ટતા

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષાના પરિણામ 17મી તારીખે જાહેર થવાના હોવાની એક ખોડી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આના કારણે વિદ્યાર્થીઓ, વાલીએ અને શાળ સંચાલકો ગેરમાર્ગે ન દોરવાય તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ તારીખ ખોટી છે અને હજુ સુધી ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ના પરિણાની કોઈ તારીખ જાહેર કરાઈ નથી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે તા.16-05-2022 ના રોજ બોર્ડના ધોરણ-10 અને ધોરણ-12 (સામાન્ય પ્રવાહ) પરીક્ષા માર્ચ-2022 નું પરિણામ તા.17-05-2022 ના રોજ સવારે 8.00 કલાકે પ્રસિધ્ધ થવાની જાહેરાત બાબતે સોશિયલ મીડિયામાં બિન સત્તાવાર બનાવટી અખબારી યાદી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા વાયરલ કરવામાં આવી હતી.

બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માર્ચ-2022 દરમિયાન ધોરણ 10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખની જાહેરાત બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી. જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પરિણામની તારીખ અંગેની અખબારી યાદી બનાવટી છે. જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓએ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 17-05-2022 ના રોજ પ્રસિધ્ધ થનાર નથી તેની નોંધ લેવી.

વધુમાં જણાવવાનું કે પરિણામની તારીખ દર્શાવતી બનાવટી અખબારી યાદી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને વિદ્યાર્થી, વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓને ગેરમાર્ગે દોરનાર અજાણ્યા ઇસમ માટે કાયદાની જોગવાઇ અનુસાર બોર્ડ દ્વારા સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.

 

(8:44 pm IST)