Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સુરતના ડિંડોલી પોલીસ ‘નો ડ્રગ્‍સ ઇન સુરત' અભિયાન સંદર્ભે 2.97 લાખની કિંમતનું અફીણ કબ્‍જે કર્યુ

પોલીસે આરોપી ઇમ્‍મરની ધરપકડ કરીને મુખ્‍ય સુત્રધાર રાજસ્‍થાની મદન પુરોહિતની શોધખોળ

સુરતઃ ડિંડોલી પોલીસે બાતમીના આધારે આરોપી ઇમ્‍મરની 2.97 લાખની કિંમતના 993 ગ્રામ અફીણ સાથે ધરપકડ કરી છે. અફીણનો જથ્‍થો મોકલનાર મુખ્‍ય સુત્રધાર રાજસ્‍થાનનો વતની મદન પુરોહિતને વોન્‍ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનથી એક ઇસમે અફીણ મોકલાવ્યું હતું અને ડીંડોલી વિસ્તારમાં નશીલું અફીણ આવતા પોલીસે કાર્યવાહી કરી એક આરોપીને પકડી પાડી ધરપકડ કરી હતી અને મોકલનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ નાબુદી અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં ‘નો ડ્રગ્સ ઇન સુરત’ નામનું સૂત્ર આપવામાં આવ્યું છે અને નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ કરતા લોકોને ઝડપી પાડી કાર્યાવહી કરવામાં આવે છે. જેનાથી સુરત શહેરમાં નશીલા દ્રવ્યોનું વેચાણ ન થઈ શકે અને લોકો પણ આવી પ્રવૃતિઓમાં ન સંડોવાય. જોકે વધુ એકવાર પોલીસે ડ્રગ્સ બાબતે કાર્યવાહી કરી હતી. સુરતની ડીંડોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ડીંડોલી વિસ્તારમાં રહેતો ઇમ્મર તારામ બિશનોઇ અફીણનો જથ્થો લઈને આવી રહ્યા છે.

બાતમીના આધારે ડિંડોલી પોલીસે રેડ કરી હતી અને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો અને તેની સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી અને આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી રાજસ્થાનનો રેહવાસી મદન પુરોહિતના સંપર્કમાં હતો અને મદને ઇમ્મરને અફીણ વેચવા માટે મોકલાવ્યું હતું. ડીંડોલી પોલીસે આરોપી ઇમ્મરની ધરપકડ કરી તેમની પાસેથી 2.97 લાખની કિંમતનું 993 ગ્રામ અફીણ કબ્જે કરવામાં આવ્યું હતું. જોકે અફીણનો જથ્થો મોકલનાર આરોપી મદન પુરોહિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)