Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વડોદરાના આજવારોડ વિસ્તારમાં ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં બેસી અપશબ્દો બોલતા યુવાનને ના કહેતા બે ભાઈઓ પર ત્રણ યુવકોનો જીવલેણ હુમલો

વડોદરા:ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં બેસીને ગાળો બોલતા યુવકોને ત્યાં બેસવાની ના  પાડનાર બે ભાઇઓ પર ત્રણ યુવકોએ હુમલો કરી માથામાં પથ્થર મારી ઇજા કરી હતી.જે અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આજવારોડ રામદેવનગરની બાજુમાં લકુલેશ વિભાગ-૨ માં રહેતા રોનક સંતોષભાઇ નાયકે હરણી  પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,પંદર દિવસ પહેલા મારા ઘરની પાછળ આવેલા સાંઇબાબા મંદિરની બાજુની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો બેસીને ગાળો બોલતા હતા.જેથી,હું તથા મારા મોટા ભાઇ અવિનાશ ત્યાં બેસેલા રોનક, ઉદય તથા શિવમને ત્યાં બેસવાની ના પાડી હતી.તેની અદાવત રાખી ગત તા.૧૪ મી એ હું મારા ઘરે હતો.રાતે સાડા નવ વાગ્યે મારા મિત્ર મયૂર શૈલેષભાઇ ભરવાડ (રહે.ભરવાડ વાસ, રેવડિયા મહાદેવ પાસે) ના મોબાઇલ નંબર પર ફોન કરીને અમને  ખોડિયાર નગર ચાર રસ્તા બોલાવ્યા હતા.જેથી,હું અને મારો ભાઇ અવિનાશ ખોડિયાર નગર ચાર રસ્તા ગયા હતા.તે સમયે ઉદય પટેલ, તેનો મિત્ર રોનક તથા શિવમ આવ્યા હતા.રોનક એકદમ મારા પર ઉશ્કેરાઇ ગયો હતો.અને મને ગાળો બોલી કહેવા લાગ્યો હતો કે,અમે તારા ઘર પાસે બેસવા આવીએ છીએ.તો તને શું તકલીફ પડે છે ? ઉદય અને  રોનકે રોડ પર પડેલો પથ્થર લઇને મને કપાળના ભાગે મારી ઇજા પહોંચાડી હતી.હરણી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)