Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

માણસા તાલુકાની વિહાર ચોકડી નજીક કારની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ગંભીર ઇજાથી મોત

માણસા : માણસા તાલુકાના માણેકપુર ગામે રહેતા ખેત મજૂર પરિવારનો યુવક ગઈકાલે કોઈ કામ માટે કુકરવાડા ગયો હતો અને પરત રાત્રિના સમયે ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે મંડાલીથી વિહાર ચોકડી વચ્ચે એક કારના ચાલકે આ યુવકના બાઇકને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો અને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને મહેસાણા સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ભાભર તાલુકાના વજાપુર નવા ગામના હકાભાઇ સરદારજી ઠાકોર તથા તેમનો પરિવાર માણસા પાસે આવેલા માણેકપૂર ગામે ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેમાં ગઈકાલે આ હકાભાઇ તેમના વતનમાં ગયા હતા ત્યારે તેમનો નાનો ભાઈ પશાજી સવારે તેનું બાઇક નંબર જીજે.૧૮. સીએફ.૭૭૨૬ લઈ પોતાના કોઇ કામ માટે કરવાડા ગામે ગયો હતો અને ત્યાંથી તેનું કામ પૂરું કરી રાત્રિના સમયે પરત માણેકપૂર ગામે આવી રહ્યો હતો તે વખતે આશરે પોણા નવ વાગ્યાના સમયે મંડાલી ગામ થી વિહાર ચોકડી વચ્ચે પહોંચ્યો તે વખતે એક કાર નંબર જી.જે. ૧૮. બીડી.૯૭૫૧ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી પશાજીના બાઈકને જોરદાર ટક્કર મારતા આ યુવક રોડ પર પટકાયો હતો જેના કારણે માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક કુકરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડયો હતો જ્યાં ઇજાઓ ગંભીર જણાતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ મહેસાણા લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં વધુ સારવાર મળે તે પહેલા પશાજીનું કરૃણ મોત નિપજયું હતું જે બાબતની જાણ મૃતકના મોટાભાઈને કરવામાં આવતા તેઓ તાત્કાલિક મહેસાણા આવી પહોંચ્યા હતા અને અકસ્માત બાબતે માહિતી મેળવી અકસ્માત સર્જનાર કારના ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:27 pm IST)