Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ગાંધીનગરમાં આવેલ ગીયોડ સહીત દહેગામનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળતા વાહનચાલકોને હાલાકી

ગાંધીનગર:તાલુકામાં આવેલ ગિયોડ અને દહેગામ તાલુકામાં આવેલ વાસણા ચૌધરીને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી ઉબડખાબડ બની ગયો છે. જેને કારણે વાહનચાલકો હેરાન થઈ જવા પામ્યા છે. છેલ્લા ઘણા સમયથી રોડ ખખડધજ બની જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઘણી રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. અગાઉ વાસણા ચૌધરી ગામના પૂર્વ સરપંચે રજૂઆત કરી હતી. જેથી ૫ મીટર પહોળો રોડ કરવાનો હતો પરંતુ આ રોડ પર કેટલાક મકાનો આવેલ હોવાથી રોડ નજીક રહેતા રહીશો આ માર્ગના નવીનીકરણનો વિરોધ કર્યો હતો. જેથી આ રોડનું સમારકામ થઈ શક્યું ન હતું. ત્યાર પછી હજુ સુધી આ રોડની હાલત બિસ્માર જ છે. તો મહાકાળી વડ કંથારપુરા જવા માટે પણ મહતમ આ રોડનો ઉપયોગ થાય છે. જેથી ઘણા વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આવા ઉબડખાબડ રોડને કારણે વાહનચાલકો હેરાન થઈ ગયા છે. તો આ માર્ગ બિસ્માર બની જતા કપચી પણ ફેલાઈ જવા પામી છે. જેને કારણે વાહનચાલકો ને વાહન સ્લીપ થઈ જવાનો પણ ડર સતાવી રહ્યો છે. તો ક્યારેક અકસ્માત પણ સર્જાવાની સંભાવના રહેલી છે. ત્યારે આ બંને ગામના લોકો દ્વારા સત્વરે આ રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે એવી માંગ પણ ઉઠવા પામી છે. 

(5:26 pm IST)