Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ગાંધીનગરમાં સે-20માં ભરઉનાળે વીજળી ગૂલ થતા રહીશોની હાલત કફોડી

ગાંધીનગર : પાટનગરમાં પીવાના પાણી અને ગટરની નવી લાઇનનાં કામ સ્માર્ટ સિટી અંતર્ગત શરૃ કરાયા છે. તેના માટે જાણે શહેર આખું ખોદી નાખવામાં આવ્યું છે. આડેધડ થઇ રહેલી કામગીરીના કારણે છાશવારે પાણીની અને ગટરની હયાત લાઇનો તૂટે છે. સેક્ટર-૨૦માં તો વીજળીની અન્ડર ગ્રાઉન્ડ લાઇન કપાવાથી દિવસભર માટે કાળઝાળ ગરમીમાં વૃદ્ધો અને બાળકો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા હતાં.

સ્માર્ટ સિટી અંતર્ગત અંદાજે ૫૦૦ કરોડના ખર્ચે જાણે શહેર ખોદવાનું કામ કરવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિનું સર્જન પાણી પુરવઠા વિભાગ અને પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કોઇ આગોતરી જાણ કર્યા વગર જ અભણ માણસોની જેમ મનફાવે ત્યારે મનફાવે ત્યાં જેસીબી દ્વારા ખોદકામ શરૃ કરવામાં આવે છે. પરિણામે ગેસની લાઇન, વીજળીની લાઇન પાણી અને ગટરની હયાત લાઇનો ક્ષતિગ્રસ્ત થવાનો બનાવો રોજના બની ગયાં છે. દરરોજ વિવિધ સેક્ટરમાં કતારબંધ આવાસોમાં કોઇને કોઇ વાતે સમસ્યાનું સર્જન કરવામાં આવે છે. ધોમધખતા દિવસો દરમિયાન સર્જાતી આવી ક્ષતિઓના કારણે લાઇટ વગર અને પાણી વગર રહેવું પડે તેવા બનાવોનો સામનો વસાહતીઓ સતત કરતાં રહે છે. આટલું ઓછું હોય તેમ નવા બનાવેલા કે નવેસરથી રીસર્ફેસ કરવામાં આવેલા રસ્તાઓનું નિકંદન કાઢી નાખીને વાહન ચાલી પણ ન શકે તેવી સ્થિતિ ગમે ત્યારે લાવી દેવામાં આવે છે. ઉપરાંત સંબંધિત તંત્રોના કબીજી સાથે સંલનની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે સુવિધા તો આવતી આવશે હાલમાં સેક્ટરવાસીઓ માટે દુવિધાના દિવસો આવી પડયાં છે.

(5:26 pm IST)