Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

આણંદ - ખેડા બાદ વડોદરા અને સુરેન્‍દ્રનગરમાં પણ આકાશમાંથી ધાતુના ગોળા પડયા

એક જ પ્રકારના ગોળા વિવિધ વિસ્‍તારમાંથી કેવી રીતે પડી રહ્યા છે તે અંગે પોલીસ અને FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

વડોદરા/સુરેન્‍દ્રનગર તા. ૧૬ : આણંદ અને ખેડા જિલ્લા બાદ હવે વડોદરા અને સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ આકાશમાંથી ધાતુના ગોળા પડતા રહસ્‍ય વધુ ઘેરાયું છે. સતત બે દિવસમાં ખેડા અને આણંદમાંથી ગોળા મળી આવ્‍યા છે. આમ આકાશમાંથી એક જ પ્રકારના ગોળા વિવિધ વિસ્‍તારમાંથી કેવી રીતે પડી રહ્યા છે તે અંગે પોલીસ અને FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ડર તો છે જ પરંતુ તેઓ એ પણ જાણવા ઉત્‍સુક છે કે ખરેખર આ વસ્‍તુ શું છે?

મીડિયા રિપોર્ટ અનુસાર વડોદરાના પોઈચા ગામમાં ખેતરમા અવકાશી પદાર્થ પડતાં ચર્ચાનો વિષય બન્‍યો છે. ધાતુ જેવા પદાર્થથી બનેલો અવકાશી ગોળા વરસી રહ્યાં છે. સાવલી પોલીસે અવકાશી પદાર્થ એટલે ગોળા જેવી વસ્‍તુનો કબજો લઇને FSL અને ઊચ્‍ચ અધિકારીઓને આ વિશે જાણ કરી છે. છેલ્લા ત્રણ દિવસથી અવારનવાર આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ ફેલાયો છે.

રવિવારે સુરેન્‍દ્રનગરના સાયલા તાલુકામાં પણ એક ધાતુનો ગોળો પડ્‍યાનું સામે આવ્‍યું છે. રાજયમાં ચાર દિવસથી આકાશમાંથી ગોળા વરસવાનું યથાવત રહેતા રહસ્‍ય વધુ ઘેરૂ બન્‍યું છે. તંત્ર દ્વારા ગોળાની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો પણ નિર્ણય કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાર દિવસથી અવકાશમાંથી ધાતુના ગોળા વરસવાનો સિલસિલો ચાલુ છે. પહેલીવાર આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં અલગ અલગ ત્રણ ગોળા મળી આવ્‍યા હતા. આ મામલાની તપાસ પૂર્ણ થાય તે પહેલા જ નડિયાદ જિલ્લાના ભૂમેલ ગામની સીમમાં એક વાડીમાં એક ગોળો પડ્‍યો હતો. ત્‍યારબાદ આજે સુરેન્‍દ્રનગર અને વડોદરામાંથી પણ આકાશમાંથી પડેલા ધાતુના ગોળા મળી આવ્‍યા છે.

(4:28 pm IST)