Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

વાપી નગરપાલિકા ખાતે ‘મારો વોર્ડ કોરોના મુક્‍ત વોર્ડ' અંતર્ગત રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં બેઠક મળી

વલસાડ : વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં ‘મારો વોર્ડ કોરોનામુક્‍ત વોર્ડ' અભિયાન તેમજ તાઉતે વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરૂપે  વાપી નગરપાલિકા ખાતે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક મળી હતી. બેઠક શરૂ કરતાં પહેલાં કોરોના મહામારી દરમિયાન મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના આત્‍માની શાંતિ માટે બે મીનીટનું મૌન પાળી શ્રધ્‍ધાંજલિ અર્પવામાં આવી હતી.
બેઠકને સંબોધતા મંત્રીએ જણાવ્‍યું હતું કે, કોરોના સંક્રમણને વધતું અટકાવવા ગામમાં જ તેની સારવાર થાય તે હેતુસર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મારું ગામ કોરોનામુક્‍ત ગામ અભિયાનમાં મળેલા સારા પરિણામોને ધ્‍યાને રાખી રાજ્‍ય સરકારે નગરપાલિકા વિસ્‍તારોમાં મારો વોર્ડ કોરોનામુક્‍ત વોર્ડ અભિયાન શરૂ કર્યું છે. સૌનો વિચાર એક હોવો જોઇએ કે મારા સમયનો અન્‍યની સેવામાં ઉપયોગ કરીએ, એવા વિચાર સાથે વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ, ઔદ્યોગિક એકમો અને અનેક સેવાભાવી વ્‍યક્‍તીઓ કોરોનાના કપરા સમયમાં સરકારને મદદરૂપ થઇ રહયા છે, જે અભિનંદનીય છે.
મંત્રીએ વધુમાં મારો વોર્ડ કોરોનામુકત વોર્ડ અભિયાન અંતર્ગત દરેક વોર્ડના સભ્‍યો, આશાવર્કર, વિવેકાનંદ મંડળના સભ્‍યો તેમજ સંગઠનના કાર્યકરોની ટીમ બનાવી ઘરે-ઘરે સર્વે કરી તાવ-શરદીની બીમારી હોય તેવા વ્‍યકિતઓનું લીસ્‍ટ બનાવવા જણાવ્‍યું હતું. આ તમામ ઘરોમાં આરોગ્‍ય વિભાગની ટીમ તબીબી ચકાસણી માટે જઇ શંકાસ્‍પદ જણાય તો તેને હોમ આઇસોલેશનમાં રહેવા અને જો તે વ્‍યક્‍તિની ઘરે અલગ રહેવાની સગવડ ન હોય તો તેને શાળા કે અન્‍ય સ્‍થળે બનાવાયેલા કોવિડ આઇસોલેશન સેન્‍ટરમાં રાખવા માટેની વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું. અત્રે આરોગ્‍ય વિભાગની ટીમ સતત દેખરેખ રાખે અને ડોક્‍ટરની સલાહ મુજબ જો દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાય તો સિવિલ હોસ્‍પિટલમાં રીફર કરવા જણાવ્‍યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ભારતીય હવામાન વિભાગે તાઉતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. જે ધ્‍યાને રાખી તેનાથી થનારી અસરોને ખાળી શકાયતે હેતુસર કુદરતી આફતથી બચવા માટે અગમચેતીના પગલાં લેવા, લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે તકેદારી માટે તમામ પગલાંઓ લેવા જણાવ્‍યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ, નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, ઉપપ્રમુખ મુકુન્‍દાબેન પટેલ, શહેર સંગઠન પ્રમુખ સતીષભાઈ પટેલ, નગરસેવકઓ, ચીફ ઓફિસર દર્પણભાઈ ઓઝા, સંજયભાઈ ઝા, કલ્‍પેશભાઈ શાહપ મહેશભાઇ ભટ્ટ, રામદાસભાઇ વરઠા સહિત અગ્રણીઓ હાજર રહયા હતા.

(8:36 pm IST)