Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

PI ગીતા બાદ સાગરિત PSI બ્રહ્મભટ્ટની ધરપકડના ભણકારા

તોડ કરવામાં મદદ કરનાર આરોપી અમરબેન ફરાર : ગીતા પઠાણ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં આખું રેકેટ ચલાવતી હતી અને હવે ચાર દિવસના રિમાન્ડ ઉપર છે

અમદાવાદ,તા.૧૬ : હનીટ્રેપ મામલે તત્કાલિન મહિલા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગીતા પઠાણના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. બીજી તરફ પીઆઈ ગીતા પઠાણ વર્ષ ૨૦૧૪માં રાજકોટ એસીબીમાં લાંચના ગુનામાં પકડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. ગીતા પઠાણ સાથે તોડ કરવામાં મદદ કરનાર અમરબેન સોલંકીની મુખ્ય ભૂમિકા હોવાથી તેની તથા મદદ કરનાર તત્કાલિન પીએસઆઈ જે કે બ્રહ્મભટ્ટની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ગીતા પઠાણ પર તેઓ હનીટ્રેપ કરતી ગેંગ સાથે મળીને તેનો ભોગ બનનારા પાસેથી મોટો તોડ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, હનીટ્રેપ કરતી ગેંગના સાગરિતોની પૂછપરછ દરમિયાન ગીતા પઠાણનું નામ સામે આવતા તેમની સામે તપાસ શરુ કરાઈ હતી. જેમાં તથ્યો જણાઈ આવતા ગીતા પઠાણની ધરપકડ કરાઈ હતી.

       ક્રાઈમ બ્રાન્ચ મહિલા આરોપી ગીતા પઠાણને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે, ફરિયાદી પાસેથી ૫ લાખ, રાજેશ પટેલ પાસેથી ૫ લાખ, કાન્તિભાઈ પાસેથી ૭.૭૫ લાખ, સુરેશભાઈ પાસેથી ૮ લાખ મળી કુલ ૨૬.૫૫ લાખનો તોડ કરવામાં આવ્યો હતો. તેમાં ગીતા પઠાણની ભૂમિકા શું છે, તેમને મળેલા પૈસા ક્યાં છે. આરોપી ગીતા પઠાણ અને અમરબેન સોલંકી હનીટ્રેપમાં ફસાવવા માટે ફેસબૂક પર ફેક એકાઉન્ટથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ફ્રેન્ડ બનાવતા હતા. પછી વાતચીત કરી ફસાવવા માટે બોલાવતા હતા. ત્યારબાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવતી હતી, જેમાં હનીટ્રેપમાં ફસાવવામાં આવેલી વ્યક્તિને સમાધાન કરી લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. આમ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં આખું રેકેટ આરોપી ગીતા પઠાણ ચલાવતી હતી. રિમાન્ડ અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, આરોપીઓએ તાબાના અધિકારી પીએસઆઈ જે.કે. બ્રહ્મભટ્ટ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેન મારફતે તથા ભોગ બનેલા સિવાય અન્ય લોકોને ધમકાવીને ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ કરવાની છે.

(7:39 pm IST)