Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

વાવાઝોડું ૧૫૦ કિલોમીટરની ગતિથી ગુજરાત તરફ આગળ વધ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વની બેઠક યોજી : દક્ષિણ-પશ્ચિમ પટ્ટીથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું દીવ તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે, મહુવાથી પોરબંદરની વચ્ચે ત્રાટકવાની સંભાવના

અમદાવાદ,તા.૧૬ : કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત તરફ આગળ વધતું તૌકતે વાવાઝોડું વધારે તોફાની બની રહ્યું છે. હવે આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત રહિત ઘણાં રાજ્યોના અધિકારીઓ અને મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા છે. કર્ણાટકામાં તૌકતે વાવાઝોડાના કારણે ૭૩ ગામોમાં અસર થઈ છે અને ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી ૪નાં મોત થઈ ગયા છે. વાવાઝોડું ૧૫૦ કિલોમીટરથી વધુની ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ બેઠકમાં તમામ રાજ્યોને શક્ય તમામ મદદ કરવા માટેનો ભરોસો આપ્યો છે. આ સિવાય તેમણે જણાવ્યું કે  એનડીઆરએફની વધારાની ટીમો પણ જરુરિયાત પડવા પર અસરગ્રસ્ત થનારા રાજ્યોમાં મોકલવામાં આવશે. આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત થશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

            વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમના રાજ્યોની દરિયાઈ પટ્ટીથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું દીવ તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે અને મહુવાથી પોરબંદરની વચ્ચે ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અને વાવાઝોડું ગુજરાત તરફ આવતા વધારે આક્રામક બનતું રહેશે. હવામાન વિભાગે કરેલી વધુ એક આગહીમાં વાવાઝોડું વધારે આક્રામક બનવાની સાથે ૧૭મીની સાંજે ગુજરાતથી પોરબંદરની વચ્ચે લેન્ડફોલ થશે. વાવાઝોડાના કારણે કર્ણાટકાના ૬ જિલ્લામાં ભારે વરસાદ થયો છે. જેમાં ત્રણ દરિયાકિનારે આવેલા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ૨૪ કલાકમાં ભારે વરસાદના કારણે ૭૩ ગામડા પ્રભાવિત થયા છે, જેમાં ૪ લોકોના મોત થયા છે. સવારે તૌકતે વાવાઝોડું ગોવાના દરિયાકિનારે પહોંચ્યું હતું. આ દરમિયાન ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો, જેના લીધે ઝાડ પડવાની ઘટના બની હતી. જેના પર રાહત ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, કચ્છ, મોરબી, સુરત, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, નવસારી, ભરુચ અને જૂનાગઢ જિલ્લામાં તૈનાત કરાઈ છે. મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં ગમે તે સંજોગોમાં ઓક્સિજન પુરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે.

(7:37 pm IST)