Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

વરસાદની બુંદ જ્યારે આકાશમાં હોય ત્યારે એકદમ શુદ્ધ હોય છે. ને જમીન પર પડતાની સાથે જ કિચ્ચડ બની જાય છે

સારા માણસો સાથે હંમેશા સારો વ્યવહાર કરો પણ ખરાબ માણસો સાથે ખરાબ વ્યવહાર ન કરવો. કારણ કે પાણી થી લોહીને સાફ કરી શકાય છે પણ લોહીથી લોહી ને સાફ નથી કરી શકાતું

અમદાવાદ:  પોતાની સાથે લડશો તો ઘણા સવાલના જવાબ તમને મળી જશે. પણ જો બીજાની સાથે લડશો .તો ઘણા બધા સવાલો ઊભા થશે. જ્યારે વ્યક્તિને સફળતા મળે છે .અથવા આર્થિક રીતે મોટો ફાયદો થાય છે. ત્યારે કમનસીબે વ્યક્તિમાં કોઈક વખત ઉદ્ધતાઈ પ્રવેશ કરી જાય છે. જ્યારે એક સફળ નિષ્ણાંત  વ્યક્તિ પણ વાસ્તવિક જીવનમાં પોતાના પિતાના ચરણ સ્પર્શ કરી વિનય દાખવે છે. કારણકે તે વાસ્તવિકતા છે. વિનય માટે પૈસા ખર્ચવા પડતા નથી .અને પૈસાથી વિનય ખરીદી શકાતો નથી. શિષ્ટાચાર માટે કદાચ પૈસા ખરચવા પડે. દાખલા તરીકે.. જન્મદિવસની ભેટ.

     વ્યક્તિના વિકાસ માટે વ્યક્તિએ પોતાના વિનય અને શિષ્ટાચાર ને સમાજને અનુરૂપ બનાવવા જોઈએ. મોંઘા, સુંદર કપડા ને સુંદર દેખાવ સાથે યોગ્ય વિનય અને શિષ્ટાચાર સોનામાં સુગંધ બરાબર છે. તમારો દેખાવ સુંદર હશે .પરંતુ તમારો વિનય અને શિષ્ટાચાર યોગ્ય હશે. તો જ સમાજ તમારો સ્વીકાર કરશે .અને તમારો આદર પણ કરશે.

     આપણે જે કાંઈ સિદ્ધિ પ્રાપ્ત કરીએ એમાં યાદ રાખવું અગત્યનું છે કે આપણે એ સફળતા બીજા ઘણા પરિબળો અને આપણી આસપાસના લોકોને આભારી હોય છે .આપણી નમ્રતા અને શિષ્ટતા ની ભાવનાને જ જાળવી રાખવા માટે એ મદદ નહીં કરે .પરંતુ આપણી પ્રમાણભાન અને સમતોલન રાખવાની ભાવના ને જાળવવા માટે પણ એ મદદ કરે છે. જે ક્ષણે સફળતાને કારણે આપણા મગજમાં રાઈ ભરાઈ જાય છે .ત્યારે આપણો ખરાબ નિર્ણયો કરવાના ભોગ બની જઈએ છીએ. જો વ્યક્તિ પ્રમાણિક પણે પોતાનું મૂલ્યાંકન કરે અને પોતાની નબળી ટેવો ને સ્વીકારવાની તૈયારી રાખે .અને તેમાંથી મુક્ત થવાનો સાચા દિલથી પ્રયત્ન ચાલુ રાખે .તો તે જરૂરથી પોતાના વ્યક્તિત્વને ખૂબ જ સુંદર ઓપ આપી શકે છે.

     વિનય દ્વારા વ્યક્તિને ઝમકદાર ઓપ મળે છે. તમારા વિનય દ્વારા તમે તમારા વ્યક્તિત્વને માનવંતુ અને ગૌરવપૂર્ણ બનાવો છો. ઘણી વખત વ્યક્તિ સફળતાને અથવા નિષ્ફળતાને પચાવી શકતી નથી. પરિણામે તે વ્યક્તિ ઉદ્ધત બની અવિનયી વર્તન કરે છે. પરંતુ દરેક વ્યક્તિ એ સમજવું જોઈએ કે તમારી સફળતા કે નિષ્ફળતાનો મોટાભાગ ના લોકોને કોઈ ફર્ક પડતો નથી. તમે એમની સાથે કેવું વર્તન કરો છો. તેના ઉપરથી તમારા વ્યક્તિત્વને મૂલવે છે. સ્વાદિષ્ટ ખોરાક ને વધુ પડતું મીઠું કે મરચું બગાડે છે. તેમ વ્યક્તિનો અવિનય તેના સુંદર વ્યક્તિત્વ ને બગાડે છે. વિનય સાચા દિલનો હોવો જોઈએ. નાટકીય લાગવો ના જોઈએ .વારંવાર" સોરી "અથવા "થેન્ક્યુ" કહેવાથી વિવેક નથી દેખાતો .પણ બીજાને માન આપી , મહત્વ આપી ,બીજાની સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને વિનય દર્શાવવો તે એક પ્રસંગ નથી. પણ વ્યક્તિત્વ સાથે હંમેશ માટે જોડાયેલ પ્રક્રિયા છે. "સારા માણસો સાથે હંમેશા સારો વ્યવહાર કરો પણ ખરાબ માણસો સાથે ખરાબ વ્યવહાર ન કરવો. કારણ કે પાણી થી લોહીને સાફ કરી શકાય છે પણ લોહીથી લોહી ને સાફ નથી કરી શકાતું."

લેખિકા - દર્શના પટેલ ( અમદાવાદ)

(10:34 am IST)