Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રાજકોટના ૧૨ લાખ સહિત રાજ્‍યના ૬૮ લાખ ગરીબોને કાલથી અનાજ વિતરણ

રાજકોટમાં આજ રાત સુધીમાં તમામ સ્‍થળે પુરવઠો પહોંચી જશેઃ દુકાન દીઠ શિક્ષક-પોલીસ સહિત ત્રણ કર્મચારીનો બંદોબસ્‍ત : રેશનકાર્ડના છેલ્લા આંકડા મુજબ વિતરણઃ અમદાવાદમાં APL-1 કાર્ડધારકોને સોમવારથી વિતરણ : રાજ્‍યમાં NFSA-અંત્‍યોદય પરિવારોને ૨૪ લાખ કિવન્‍ટલ ઘઉં-૧૦ લાખ કિવન્‍ટલ ચોખા- ૯૦ હજાર કિવન્‍ટલ ખાંડ- ૭૭ હજાર કિવન્‍ટલ મીઠુ અપાશેઃ મુખ્‍યમંત્રીનુ સીધુ માર્ગદર્શનઃ : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે આપી અનાજ વિતરણની વિગતો

રાજકોટ,તા.૧૬: ૧૨ લાખથી વધુ સહિત રાજ્‍યની કુલ ૬૮ લાખ ગરીબોને વિનામુલ્‍યે અનાજ વિતરણ થશે. આ માટે રાજકોટ શહેર જીલ્લાની ૭૦૦ દુકાનો ઉપર માલ પહોંચાડી દેવાયો છે. જયાં બાકી છે. ત્‍યાં આજરાત સુધીમાં પહોંચાડી દેવાશે. અને રેશનકાર્ડના છેલ્લા આંક મુજબ વિતરણ થશે. તેમ DSOની પૂજા બાવડાએ ‘અકિલા'ને જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આ નિર્ણય મજુબ વિશ્વવ્‍યાપી કોરોના વાયરસ કોવિડ-૧૯ના સ્‍થિતીને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્‍થિતીમાં રાજયના NFSA  અને અંત્‍યોદય એવા કુલ ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્‍યે અનાજ વિતરણનો કાલથી પ્રારંભ કરવામાં આવશે.

આ વિતરણ વ્‍યવસ્‍થા અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજયમાં તા.૧૭થી તા. ર૬ મે દરમ્‍યાન ચાલુ રહેશે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા ૬૬ લાખ કાર્ડધારક પરિવારો અને એવા અંત્‍યોદય પરિવારો જે NFSAમાં નોંધાયેલા નથી તેવા ૩.૮૦ લાખ એમ ૬૮.૮૦ લાખ પરિવારોની અંદાજે ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્‍યાને આ વિતરણ અન્‍વયે ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું નિઃશૂલ્‍ક અપાશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના પેકેજ અન્‍વયે પણ આ પરિવારોને ભારત સરકાર તરફથી મે મહીના માટે વધારાના ૩.પ૦ કિલો ગ્રામ ઘઉં વ્‍યકિતદિઠ તેમજ ૧.પ૦ કિલો ચોખા વ્‍યકિતદિઠ વિનામૂલ્‍યે વિતરણ થશે.

આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ પેકેજ અન્‍વયે વધારાના ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વ્‍યકિતદિઠ આપવામાં આવનાર છે. એટલે કે આ પરિવારોને કેન્‍દ્ર અને રાજય સરકારની આ અનાજ વિતરણ વ્‍યવસ્‍થાનો લાભ એક સાથે મળશે.

આ હેતુસર સમગ્રતયા તા.૧૭મે થી ર૬ મે દરમ્‍યાન અમદાવાદ શહેર સિવાયના રાજયના અન્‍ય વિસ્‍તારોમાં સોશિયલ ડિસ્‍ટન્‍સીંગના નિયમો, ફરજીયાત માસ્‍ક વગેરેના અનુપાલન સાથે સરકાર માન્‍ય સસ્‍તા અનાજથી દુકાનનો પરથી અન્ન વિતરણ થવાનું છે.

મુખ્‍યમંત્રી સચિવ શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, આ અનાજ વિતરણ વ્‍યવસ્‍થા સુચારૂ ઢબે થઇ શકે તે માટે NFSA રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્‍યા છે.

તદ્દઅનુસાર, જેમનો કાર્ડનો છેલ્લો આંક ૧ છે તેમને તા.૧૭મી મે એ, ર છેલ્લો આંક હોય તેમને તા.૧૮મી એ, ૩ વાળાને તા.૧૯મી, ૪ છેલ્લો અંક હોય તો તા.ર૦મી, પ વાળાને તા.ર૧મી, ૬ ને તા.રરમી, ૭ ને તા.ર૩મી, ૮ને તા.ર૪મી, ૯ ને તા.રપમી અને શૂન્‍ય છેલ્લો આંક હોય તેમને તા.ર૬મી મે એ અનાજ વિતરણ થશે.

આ નિર્ધારીત દિવસો દરમ્‍યાન કોઇ પણ સંજોગોસર અનાજ મેળવવાથી બાકી રહી ગયેલા NFSA કાર્ડધારકો, અંત્‍યોદય લાભાર્થી માટે તા.ર૭મી મે એ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્‍યમંત્રીશ્રીના સચિવે એમ પણ કહ્યું કે, NFSA  અને અંત્‍યોદય પરિવારોને વિનામૂલ્‍યે અનાજ વિતરણ અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકારના મળીને સમગ્રતયા ર૪ લાખ ક્‍વિન્‍ટલ ઘઉં, ૧૦ લાખ ક્‍વિન્‍ટલ ચોખા, ૯૦ હજાર ક્‍વિન્‍ટલ ખાંડ, ૭૭ હજાર ક્‍વિન્‍ટલ મીઠું તેમજ ૬૮ હજાર ક્‍વિન્‍ટલ ચણાનું વિનામૂલ્‍યે વિતરણ સરકાર માન્‍ય સસ્‍તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે.

મુખ્‍યમંત્રીશ્રીએ રાજયના ૬૧ લાખ મધ્‍યમવર્ગીય પરિવારો APL-1 કાર્ડધારકોની અંદાજે અઢી કરોડની જનસંખ્‍યાને પણ લોકડાઉનની સ્‍થિતી લંબાવાતા મે મહિનામાં વિનામૂલ્‍યે બીજીવાર અનાજ વિતરણની રાજયના સ્‍થાપના દિન તા.૧લી મે એ જાહેરાત કરી હતી.

શ્રી અશ્વિનીકુમારે આ સંદર્ભમાં જણાવ્‍યું કે, આવા APL-1 કાર્ડધારક ૬૧ લાખ પરિવારોને તા.૭મી મે થી તા. ૧રમી મે દરમ્‍યાન અનાજ વિતરણ સંપન્ન કરવામાં આવેલું છે.

અમદાવાદ શહેરની વિશિષ્ટ પરિસ્‍થિતીને કારણે આ વિતરણ વ્‍યવસ્‍થા પણ અમદાવાદ શહેરમાં જે-તે સમયે મુલત્‍વી રાખવામાં આવેલી હતી.

તેમણે ઉમેર્યુ કે, હવે અમદાવાદ શહેરના આવા APL-1 કાર્ડધારક પરિવારોને આગામી સોમવાર તા. ૧૮મી મે થી તા.ર૩મી મે દરમ્‍યાન વિનામૂલ્‍યે અનાજ વિતરણ કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

અમદાવાદ શહેરમાં વસતા APL-1 કાર્ડધારક પરિવારોને આ વિતરણ અન્‍વયે પરિવાર દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ તેમજ ૧ કિલો ચણા દાળનું વિતરણ કરવામાં આવશે.

તેમણે જણાવ્‍યું કે, આ વિતરણ વ્‍યવસ્‍થામાં પણ સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જળવાઇ રહે, દુકાનો પર ભીડભાડ ન થાય તે માટે APL-1 કાર્ડધારકોને કાર્ડના છેલ્લા અંક પ્રમાણે અનાજ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્‍યા છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજયમાં કોઇ પણ પરિવારોને પ્રવર્તમાન સ્‍થિતીમાં અનાજ વિના ભુખ્‍યા રહેવું ન પડે તેવી સંવેદના સાથે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ NFSA, અંત્‍યોદય, APL-1 મધ્‍યમવર્ગીય પરિવારોને વિનામૂલ્‍યે અનાજ પુરૂં પાડવા રાજયના અન્ન નાગરિક પુરવઠા તંત્રને પ્રેરિત કર્યુ છે.

મુખ્‍યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં એપ્રિલ મહિનમાં જ કુલ ૧૦૩૯ કરોડના બજાર મૂલ્‍યનું ૪૩.૬૦ લાખ ક્‍વિન્‍ટલ અનાજ આવા પરિવારોને વિનામૂલ્‍યે અપાયું છે.

(11:29 am IST)