Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પત્રકાર સુરક્ષા ધારો ગૃહમાં પસાર કરવા શંકરસિંહ વાઘેલાની માંગ

પત્રકારો અને દલિતો પરના હુમલાની નિંદા : પત્રકારત્વ લોકશાહી પ્રણાલિનો ચોથો સ્તંભ : આ પ્રકારે હુમલાથી લોકશાહીને ગંભીર અસર થશે : શંકરસિંહ વાઘેલાનો મત

અમદાવાદ,તા. ૧૬ : જૂનાગઢમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીના કવરેજ દરમ્યાન પ્રેસ મીડિયાના મિત્રો પર કાયદાના રક્ષકો દ્વારા જ હુમલાની ઘટના અને દલિતો સાથે બનેલી આભડછેટની ઘટના બદલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ ઊંડા દુઃખી લાગણી વ્યકત કરી હતી અને આ હુમલાઓને વખોડી કાઢયા હતા. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં પત્રકારત્વની સ્વતંત્ર દુનિયા એ એનો ચોથો સ્તંભ ગણાય છે. ચાર સ્તંભ પર ઊભેલી લોકશાહીના આ મહત્ત્વના સ્તંભ પર જો લુણો લાગે તો એની અસર સીધી લોકશાહી પર પડે છે. વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, પરિવારને મૂકી સત્ય આધારીત સમાચાર લોકો સુધી સીધા પહોંચે તે માટે જાનના જોખમે દોડતા રહેતા પત્રકારોને ધાક ધમકી, હુમલા અને કયાંક ચિરાગ પટેલ જેવા પત્રકારનો ભોગ લેવાય જવા સુધીના બનાવો બને તે દુઃખદ વાત છે.

ગૃહ ખાતુ શું કરવા ધારે છે? તેમણે વધુમાં ઉમેર્યું કે, પાટીદાર આંદોલન વખતે પણ પત્રકારો પર જે હુમલા થયેલા અને ઇજા પહોંચાડવામાં આવી તેમના કેમેરા તોડી નાખવામાં આવ્યા અને હવે જૂનાગઢમાં દેવપક્ષ આચાર્ય પક્ષ વચ્ચેની ચૂંટણીમાં મીડીયા પર લાઠીચાર્જ થયો છતાં બીજેપી સરકારે શું પગલાં ભર્યા? ખરેખર તો સરકારે આગામી વિધાનસભામાં આ બનાવોને વખોડી કાઢવાનો પ્રસ્તાવ લાવવો જોઇએ અને એનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવા પગલાં ભરવા જોઇએ. પત્રકારો માટે પત્રકાર સુરક્ષા ધારો વિધાનસભા ગૃહમાં રજૂ કરવો જોઈએ જેથી સલામતી વિશે ઊભા થતા મુદ્દાઓનું નિરાકરણ આવી શકે એવી પણ વાઘેલાએ હિમાયત કરી હતી.

 

(8:19 pm IST)