Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

અડાલજ વાવ જોવા પ્રવાસીને રૂપિયા ૨૫ ચૂકવવાના રહેશે

કાર્ડ અથવા તો કેશલેસ પેમેન્ટ કરનારને ડિસ્કાઉન્ટ : ભારતીય અને સાર્ક દેશના પ્રવાસીઓએ રૂપિયા ૨૫ અને અન્ય દેશોના પ્રવાસીઓએ રૂપિયા ૩૦૦ ચૂકવવાના રહેશે

અમદાવાદ, તા.૧૬ : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલી ઐતિહાસિક અડાલજની વાવ માટે હવે રૂ.૨૫નો ખર્ચ કરવો પડશે. આ વાવમાં અનેક યાદગાર ફિલ્મોના શુટિંગ થઇ ચૂક્યાં છે. બીજી તરફ અડાલજની વાવ જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પાટણની રાણકી વાવ પછીની બીજા નંબરની લોકપ્રિય એવી અડાલજ વાવમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ત્યારે હવે ટિકિટના દરના વધારાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં અસર પડે તેવી શક્યતા છે. ખાસ કરીને, કેશલેસ પેમેન્ટમાં ભારતીયો-સાર્ક દેશોના લોકોએ રૂ.૨૦ અને અન્ય દેશોના લોકોએ રૂ.૨૫૦ ચૂકવવાના રહેશે. અડાલજ વાવને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા(એએસઆઇ)ના શેડ્યુલ-બીના લિસ્ટમાં મુકવામાં આવી છે. તેથી આગામી તા.૨૦મેથી અડાલજ વાવને જોવા માટે ભારતીય અને સાર્ક દેશોના પ્રવાસીઓએ રૂ. ૨૫ અને અન્ય દેશોના પ્રવાસીઓએ રૂ.૩૦૦ ચૂકવવા પડશે. અડાલજની વાવમાં એક ટિકિટ કાઉન્ટર મુકવામાં આવશે. વાવની આસપાસ આવેલી જાહેર સુવિધાઓ પણ સુધારવામાં આવશે. ગુજરાત ટુરીઝમ દ્વારા એક કિઓસ્ક અને ઈન્ફોર્મેશન સેન્ટર પણ વાવના પરિસરમાં પ્રવેશ દ્વાર પાસે તૈયાર કરાશે. ભારતીય પ્રવાસીઓ જો કાર્ડથી અથવા કેશલેસ પેમેન્ટ કરે તો રૂ.૨૦ ચાર્જ ચૂકવવાનો રહેશે, જ્યારે અન્ય દેશના પ્રવાસીઓએ રૂ.૨૫૦ ચૂકવવાના રહેશે.

(8:14 pm IST)