Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ગેરકાયદે ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાના કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ ડીઆરઆઇનો સપાટો : પાક અને મ્યાનમારમાંથી ગેરકાયદે ડ્રોન ઈમ્પોર્ટ કરાતા હતા : ૮૬ ચાઈનીઝ ડ્રોન સહિત કરોડનો મુદ્દામાલ કબ્જે

અમદાવાદ, તા.૧૬ : અમદાવાદ ડીઆરઆઇ(ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ) દ્વારા શહેરમાં ગેરકાયદેસર ચાઈનીઝ ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. અમદાવાદ ડીઆરઆઇના અધિકારીઓએ સમગ્ર કૌભાંડ મામલે તપાસનો જોરદાર સપાટો બોલાવી અમદાવાદના વેપારીની ધરપકડ કરી હતી. ડીઆરઆઇની આગળની તપાસમાં સમગ્ર કૌભાંડમાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવે તેવી પણ શકયતા છે. ડીઆરઆઇની પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી માહિતી પણ સામે આવી હતી કે, પાકિસ્તાન અને મ્યાનમારથી ગેરકાયદેસર રીતે આ ચાઈનીઝ ડ્રોન ભારત ઈમ્પોર્ટ કરાતા હતા. હવે ડીઆરઆઇએ એ મુદ્દે તપાસ આરંભી છે કે, ખાસ કરીને અમદાવાદમાં ગેરકાયદે રીતે ઇમ્પોર્ટ કરાતાં આ ચાઇનીઝ ડ્રોન કયા હેતુસર અને કઇ કઇ જગ્યાએ સપ્લાય કરવામાં આવતા હતા અને કેટલા સમયથી આ સમગ્ર કૌભાંડ ચાલતુ હતુ અને અત્યારસુધીમાં આવા કેટલા ચાઇનીઝ ડ્રોન કોને કોને અપાયા. અમદાવાદ ડીઆરઆઇ (ડાયરેક્ટોરેટઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ)ને ગેરકાયદે રીતે ચાઇનીઝ ડ્રોન ઇમ્પોર્ટ થઇ રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ડીઆરઆઇ, અમદાવાદની ટીમે અમદાવાદના એક વેપારીને ધરદબોચી લીધો હતો અને તેની પાસેથી સમગ્ર કૌભાંડની જાણકારી મેળવી પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓએ અંદાજે કરોડ રૂપિયાની કિંમતના ગેરકાયદે રીતે ઈમ્પોર્ટ કરાતા ૮૬ ડ્રોન કેમેરા કબ્જે કર્યા હતા. ડીઆરઆઇએ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

 

 

(7:53 pm IST)