Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામેના આરોપનો એસપી પાસે તાકીદે રીપોર્ટ માંગતું ગૃહમંત્રાલય

દલીત યુવાનના વરઘોડા સમયે એ મહિલા પોલીસ અધિકારીનો અભદ્ર ભાષાના ઉપયોગ સાથેના વાઇરલ થયેલ વિડીયોનો અંતે પડઘો : હવે શું? અનેકવિધ અનુમાનો અને અટકળોઃ જીજ્ઞેશ મેવાણીએ તો સસ્પેન્ડની માંગણી કરી છે

રાજકોટ, તા., ૧૬: અરવલ્લી જીલ્લાના  મોડાસા તાલુકાના ખાંભીસર ગામે દલીત યુવાનના વરઘોડાને અટકાવવા માટે ગામના કેટલાક ઉચ્ચ વર્ણના લોકો અને દલીત સમાજ વચ્ચે સંઘર્ષની ઘટના વખતે દલીત સમાજ સામે અયોગ્ય વર્તન કરવા સાથે કહેવાતા અપશબ્દો બોલવાનો જેમના પર આરોપ છે તેવા ડીવાયએસપી ફાલ્ગુની પટેલ  બાબતે ગૃહ વિભાગે અરવલ્લી એસપી મયુર પાટીલ પાસેથી તાકીદે રિપોર્ટ માંગ્યાનું સુત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે ખાંભીસરમાં દલીત યુવાનના લગ્ન સમયે કેટલાક ચોક્કસ ટોળાઓ રસ્તા વચ્ચે બેસી રામધુન કરવા લાગેલ અને આ પ્રકારે વરઘોડો અટકાવેલ. જો કે આ ઘટના બાદ પોલીસે ર૦૦ થી ૩૦૦ લોકોના ટોળા સામે ફરીયાદ દાખલ કરેલ હતી. ખાંભીસર ગામે પહોંચ્યા બાદ અપક્ષ ધારાસભ્ય અને દલીત નેતા જીજ્ઞેશ મેવાણી દ્વારા એસપી અને આઇજીપી પાસે ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધવા માંગણી કરી હતી.

જો કે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામેના આરોપોની પ્રાથમીક તપાસ કરવા માટે અરવલ્લી એસપી મયુર પાટીલને આદેશ કર્યો હતો. દરમિયાન ડીવાયએસપી ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કરવાની જીજ્ઞેશ મેવાણીની માંગણી વચ્ચે ગૃહ વિભાગે તાકીદે રીપોર્ટ  મંગાવતા અનેકવિધ અનુમાનો અને અટકળો જાગી છે.

દલીત યુવાનો વરઘોડો અટકાવવા માટે રસ્તા પર બેસી કેટલીક મહિલાઓએ રામધુન સાથે ભજન ગાઇ વરઘોડો અટકાવતા પથ્થરમારો થયેલ. તેમાં જીલ્લા પોલીસ વડાને પણ ઇજા થઇ હતી. ડીવાયએસપી શ્રી ફાલ્ગુની પટેલ દલીતોને અપમાનીત કરતા હોય અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા  શબ્દ બોલતા હોય તે પ્રકારનો વિડીયો પણ વાયરલ થયો હતો.

(1:30 pm IST)