Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

અખાત્રીજ જતી રહી છતા કૃષિ મહોત્સવ નહિઃ ગામડાઓમાં જવામાં ડરતી સરકાર

પાણી સમસ્યા અને ખેડૂતોના પ્રશ્નોએ સરકારની સ્થિતિ બગાડીઃ આચારસંહિતાનું કારણ ધરી દીધુ

રાજકોટ, તા., ૧૬: રાજય સરકાર દ્વારા વર્ષોથી ચોમાસા પહેલા યોજાતા કૃષિ મહોત્સવનું આ વર્ષે ઠેકાણું નથી. દર વર્ષે સામાન્ય રીતે અખાત્રીજ અથવા તેની નજીકના દિવસોમાં કૃષિ મહોત્સવ યોજાતો હોય છે પણ આ વખતે કૃષિ મહોત્સવને લગતી કોઇ હિલચાલ દેખાતી નથી. રાજયમાં ચુંટણીનું મતદાન પુરૃ થઇ ગયું છે. સરકાર ધારે તો ચુંટણી પંચની મંજુરી લઇ કૃષિ મહોત્સવ યોજવાની શકયતા તપાસી શકે  પરંતુ સરકાર ખુદ સુચક રીતે વિલંબ કરી રહી છે.

સરકાર દ્વારા પહેલા એક મહિનાનો કૃષિ મહોત્સવ યોજાતો પરંતુ સમય જતા તેમાં ઘટાડો થતો રહયો છે. કૃષિ મહોત્સવ વખતે દરેક તાલુકામાં કૃષિરથ ફરે છે અને ખેડુતોને વિવિધ કાર્યક્રમો દ્વારા આધુનિક ખેતીનું માર્ગદર્શન આપે છે. કૃષિ મહોત્સવ ખેડુતો માટે ખુબ ઉપયોગી હોવાનો દાવો ખુદ ભાજપ સરકારે જ અનેક વખત કર્યો છે.

આ વખતે કૃષિ મહોત્સવ નહિ યોજવા અથવા મોડો યોજવા પાછળ સતાવાર કારણ આચારસંહિતાનું આપી દેવાયું છે. સરકારના વર્તુળો એવું જણાવે છે કે અત્યારે ઉનાળો બરાબર જામી ગયો છે. મોટા ભાગના ગામડાઓમાં પાણીની સમસ્યા છે. મગફળી, તુવેર, ખાતર વગેરેના લગતા ચકચારી પ્રકરણોએ સરકારની સ્થિતિ બગાડી નાખી છે. સરકારના પદાધિકારીઓ ગામડે જાય તો ખેડુતોના આક્રોશનો સામનો કરવો પડે તેવી ભીતી છે. સરકાર માટેની પ્રતિકુળ પરિસ્થિતિમાં રાહત થાય પછી કૃષિ મહોત્સવ યોજવાનું વિચારાશે તેમ સરકારના વર્તુળો જણાવે છે.

(11:35 am IST)