Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

તુવેર કૌભાંડ મામલે કોંગ્રેસ રાજનીતિ કરીને ખેડૂતો અને રાજ્યને બદનામ કરે છે :મંત્રી જયેશ રાદડિયા

આઠ પૈકી ચારણી ધરપકડ :22685 બોરીઓની ચકાસણીમાં કોઈ ભેળસેળ જણાઈ નથી

 

અમદાવાદ :રાજ્યમાં ચકચારી તુવેર કૌભાંડ મામલે અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે, ઘટના સાથે જોડાયેલા 8 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી જેમાંથી ચાર લોકોની ધરપકડ કરાઇ છે. કોંગ્રેસના આગેવાનો અને કહેવાતા ખેડૂત નેતાઓ ખેડૂતો અને રાજ્યને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે.

  મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, 22685 બોરીઓની ચકાસણી કરાઈ છે. તેમાં કોઈ ભેળસેળ જોવા મળી નથી. કોંગ્રેસ કૌભાંડનું નામ આપી બદનામ કરે છે. ખેડૂતોના નામે રાજનીતિ કરવાનું બંધ કરે. કોંગ્રેસના ધારાસભ્યો ખેડૂતોને બદનામ કરે છે. ખેડૂતોને તમામ પેમેન્ટ ચૂકવી દેવાયેલ છે. માત્ર વાહ મેળવવા, રાજકીય લાભ મેળવવા, નેતા બનવા આંદોલન કરાય છે. 184 કરોડ પૈકી 150 કરોડનું પેમેન્ટ કરાયું છે. જ્યારે 34 કરોડનું પેમેન્ટ આગામી સમયમાં ખેડૂતોને ચૂકવાઇ જશે.
  
જ્યારે કૃષિ મંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે, ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ ખાતરનું વિતરણ કરાતું હોય છે. GSFC દ્વારા 57 વર્ષથી ખાતર બનાવવામાં આવે છે, ક્યારેય કોઇ ફરિયાદ આવી નથી. તોપમાપ નિયંત્રણ ધારા હેઠળ એક ટકાની છૂટછાટ આપવામાં આવી છે. કોંગ્રેસના મિત્રો સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે કાગારોળ મચાવે છે. ઓછા વજનની કોઈ ફરિયાદ ના મળે તે માટે કંપનીને સૂચના આપી છે. 120 ગ્રામ વધુ વજન નાખવા માટે સૂચના આપી છે
   જાન્યુઆરી માસથી અત્યાર સુધી 16 લાખનું નુકશાન છે. આટલી મોટી કંપની વર્ષોથી ખાતર ઉત્પાદન કરે છે. તેમાં કૌભાંડની કોઇ વાત આવતી નથી. કોંગ્રેસને દરેક વસ્તુમાં કૌભાંડ દેખાતા હોય છે. તે વાત સાચી છે કે, અમુક બેગોને તપાસતાં 200થી 250 ગ્રામની ઘટ દેખાડી છે. ઘટ એક ટકાની અંદરની છે. જો એક ટકાની ઉપર હોય તો પણ સરકારે GSFCને સૂચના આપી છે કે, ખેડૂતને 100 ગ્રામ માલ પણ ઓછો આવવો જોઇએ

(12:39 am IST)