Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

કારકિર્દીના ઊંબરે પુસ્તકનું કોંગ્રેસ દ્વારા લોંચિંગ કરાયું

ધોરણ ૧૨ પછીના અભ્યાસનું માર્ગદર્શન પુસ્તક : કારકિર્દી માર્ગદર્શક પુસ્તક સ્પર્ધાત્મક માહોલમાં રાજ્યના વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પથદર્શક બની રહેશે : કોંગ્રેસ

અમદાવાદ,તા.૧૫ : કારકિર્દી ઊંબરે ધોરણ ૧૨ પછી શું માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન  પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે. હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત ચૌદમાં વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે. કારકિર્દીના અતિ મહત્વના વર્ષ એવા ધોરણ-૧૨ની પરીક્ષામાં સફળતા મેળવનાર સહુ વિદ્યાર્થી ભાઈ-બહેનોને હાર્દિક અભિનંદન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ અને તેમના વાલી સતત મહેનત કરીને સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. જે તે સરકારની જવાબદારી છે કે, વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળના અભ્યાસક્રમ માટે યોગ્ય માર્ગદર્શન પુરુ પડે, પરંતુ તેમ કરવામાં રાજ્યની ભાજપ સકરા સંદતર નિષ્ફળ નીવડી છે. દેશના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ એવી કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર પ્રજાની હિતાર્થે રાઈટ ટુ એજ્યુકેશન નો કાયદો લાવી, સાક્ષર ભારતના નિર્માણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી અને યોજનાઓના અમલીકરણ માટે મોટા પ્રમાણમાં નાણાની ફાળવણી પણ કરી, પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારથી વિદ્યાર્થી જગતને તેના લાભ પૂરતા પ્રમાણમાં મળતો નથી. કારકિર્દિના ઊંબરે ધોરણ ૧૨ પછી શુ કારકિર્દી માર્ગદર્શન પુસ્તક તૈયાર કરનાર કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ડૉ. વિજય દવે, નિશીત વ્યાસ, કિર્તન જાની અને હિરેન બેન્કરને કોંગ્રેસ પક્ષ તરફથી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. કારકિર્દીના ઊંબરે ધોરણ ૧૨ પછી શુ કારર્કિદી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત વિદ્યાનસભા કોંગ્રેસ પક્ષના નેતાપરેશ ધાનાણીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ની પરીક્ષામાં સફળતા મેળવનાર સર્વે વિદ્યાર્થી મિત્રોને ખુબખુબ અભિનંદન. જીવનમાં પ્રગતિ માટે ધોરણ ૧૨ પછી સાચા અને રસના અભ્યાસક્રમની પસંદગી અતિ આવશ્યક બની જાય છે.

(9:38 pm IST)