Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

જુનમાં ૩૨ મામલતદારો નિવૃતઃ ૫૮ બનશે ડેપ્યુટી કલેકટર

આચારસંહિતા પૂરી થતા મહેસુલ વિભાગમાં મોટાપાયે બઢતી-બદલીના ઘાણવા આવી રહ્યા છે : ૯૫ જેટલા નાયબ મામલતદારને મળશે મામલતદાર તરીકે બઢતીઃ ડે. કલેકટરની જગ્યાએ રહેલા ૧૬ અધિક કલેકટરો બદલાશે

રાજકોટ, તા. ૧પઃ રાજયના મહેસુલ વિભાગમાં ચૂંટણીની આચારસંહિતા પૂરી થયા બાદ ખૂલતા વેકેશને નાયબ મામલતદાર, મામલતદાર અને નાયબ કલેકટર કક્ષાએ અસરકર્તા બઢતી-બદલીનો ધાણવો આવી રહ્યો છે. વહીવટ સ્તરે ધરખમ ફેરફારો થશે.

મહેસુલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મહેસુલ વિભાગમાં હાલ મામલતદારોની પ૭૪ જગ્યાઓ છે. જેમાંથી ૪૩૦ જેટલી ભરેલી છે આવતા મહિને ૩ર મામલતદારો નિવૃત થનાર છે. ભૂતકાળમાં શાળા શરૂ થવાનો સમયગાળો શરૂ થવાને અનુલક્ષીને જન્મ તારીખ મોટા ભાગે ૧ જૂન લખાવાતી તેને અનુલક્ષીને દર વર્ષે જુનમાં સરકારી નોકરીયાતો મોટા પ્રમાણમાં નિવૃત થાય છે. જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ઉર્તિણ થયેલા નાયબ કલેકટર કક્ષાના પ૮ અધિકારીઓ હાલ અજમાયશી ધોરણે ૬ અઠવાડિયા માટે મામલતદાર તરીકે કાર્ય કરી રહ્યા છે. તે સમયગાળો જુન અંતમાં પૂરો થઇ રહ્યો છે, તેથી તે તમામને નાયબ કલેકટર કક્ષાની જગ્યા પર નિમણૂક અપાશે. ૯પ જેટલા નાયબ મામલતદારો હવે મામલતદાર તરીકે બઢતી મેળવવા પાત્ર બન્યા છે. અધિ કલેકટર તરીકે બઢતી મળી ગયા પછી પણ નાયબ કલેકટર કક્ષાએ ફરજ બજાવતા હોય તેવા ૧૬ અધિકારીઓને આચારસંહિતા પૂર્ણ થયા પછી અધિક કલેકટર કક્ષાએ નિમણૂક અપાશે. તેના હાલના સ્થાને નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ મૂકાશે. ૮ જેટલા આઇ.એ.એસ. કેડરના જુનિયર અધિકારીઓ નાયબ કલેકટર કક્ષાએ ફરજ બજાવી રહ્યા છે. તે ડી.ડી.ઓ. કક્ષાએ બઢતી મેળવવા પાત્ર બન્યા છે. તેમની બદલીથી તે જગ્યાઓ પણ ખાલી પડશે. આ રીતે જોતા જુન મહિનો મહેસુલ તંત્રમાં ધરખમ ફેરફારનો મહિનો બની રહેશે.

(3:41 pm IST)