Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ભાજપમાં ચર્ચા વિચારણા અને સંવાદને સ્થાન જ નથી : કોંગ્રેસ

ભાજપ પ્રમુખ વણમાંગી સલાહ કોંગીને ન આપે : કોંગ્રેસ સામે ગમે તેવા નિવેદન કરીને ગોડફાધરોની બુકમાં અટકવા ભાજપના નેતાઓ પ્રયાસો કરે છે : કોંગ્રેસ પ્રવક્તા

અમદાવાદ,તા.૧૬, કર્ણાટકના ચૂંટણી પરિણામ દરમિયાન ઉતાવળે-બેબાકળા બનીને અધકચરા ઉત્સાહમાં ભાજપ પ્રમુખ વણમાંગી સલાહ કોંગ્રેસ પક્ષને આપે છે તેના બદલે તેઓ પોતાનું પદ રહેશે કે નહિ, મંત્રીમંડળમાં તેમનું ગોઠવાશે કે નહિ તે માટે નમસ્કાર કાર્યક્રમમાં ધ્યાન આપે તેવો કટાક્ષ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની મતની ટકાવારી ૩૮ ટકા જેટલી છે અને ભાજપ અને પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓએ તમામ નકારાત્મક પ્રચાર અને અમર્યાદિત નાણાની રેલમછેલ કરી હતી. તેમ છતાં કોંગ્રેસ પક્ષે ૭૮ બેઠક પર વિજય મેળવ્યો છે અને ભાજપ બહુમતીથી દુર રહ્યું છે. મત ગણતરીના દિવસ દરમિયાન બપોરે અધૂરા પરિણામ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વભાવ મુજબ ઉત્સાહમાં આવીને કોંગ્રેસ પક્ષને સલાહ આપવાને બદલે ભાજપ પ્રમુખ તેમના પક્ષમાં તેમની સામે થતા વિવિધ કાર્યક્રમો પર ધ્યાન આપે, તેમનું પદ રહેશે કે નહિ, મંત્રી મંડળમાં તેમને સ્થાન મળશે કે નહિ તે માટે તેઓ નમસ્કાર કાર્યક્રમમાં ધ્યાન આપે તો લાભદાયી થશે. ભાજપ પક્ષમાં ચર્ચા-વિચારણા, સંવાદને સ્થાન નથી, ત્યાં તમામ બાબતો ઉપરથી થોપી દેવામાં આવે છે. જો થોડી પણ ચર્ચા અને સલાહ સુચનની વ્યવસ્થા હોય તો ભાજપ પ્રદેશ પ્રમુખ પોતાના પક્ષમાં જ સલાહની આપ-લે કરે. ભાજપના પ્રદેશને હજી સુધી પોતાના પદાધિકારી માળખું નીમાયું નથી. અગાઉના માળખાથી જ ગાડું ગબડાયુ પડે છે. લોકતંત્ર-લોકશાહીમાં કટાક્ષ, અલગ વિચાર રજુ થાય તે આવકાર્ય છે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ ગમે તેવા વાણી-વિલાસ કરે અને કોંગ્રેસ પક્ષને વણમાંગી સલાહ આપે તે યોગ્ય નથી. હકીકતમાં ભાજપ અને તેમના નેતાઓ વચ્ચે હંમેશા પદ ટકાવવા કે પછી નવું પદ મેળવવા માટે કોંગ્રેસ પક્ષ પર ગમે તેવા નિવેદનો કરીને પોતાના ગોડફાધરોની ગુડબુકમાં અટકવા પ્રયત્નો કરતાં હોય છે.

(9:35 pm IST)