Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજુ યથાવત

કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૫થી પણ ઉપર રહ્યો : અમદાવાદ ખાતે મહત્તમ તાપમાન ૪૩.૨ સુધી પહોંચ્યા બાદ બપોરના ગાળામાં ભરચક રહેતા રસ્તાઓ સુમસામ

અમદાવાદ, તા. ૧૬ : દક્ષિણ પૂર્વ રાજસ્થાન, ઉત્તર પશ્ચિમી મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલા અપરએર સાયક્લોનિક સરક્યુલેશનના પરિણામ સ્વરુપે તાપમાનમાં સતત  ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીનો પ્રકોપ અમદાવાદ સહિત રાજ્યભરમાં અકબંધ રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રી રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં પારો ૪૪ ઉપર પહોંચ્યો હતો. કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધારે ગરમીનો અનુભવ થયો હતો. અહીં મહત્તમ તાપમાન ૪૫.૩ સુધી પહોંચ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૩થી ઉપર રહ્યો હતો જેમાં અમરેલીમાં ૪૩.૨, રાજકોટમાં ૪૩.૫, સુરેન્દ્રનગરમાં ૪૩.૮, અમદાવાદમાં ૪૩.૨નો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. બીજી બાજુ અમદાવાદમાં અને સાથે સાથે રાજ્યના અન્ય ભાગોમાં આગામી બે દિવસ દરમિયાન પારો ૪૧ થી ૪૩ વચ્ચે રહી શકે છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૨ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૮૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૨ જ દિવસમાં ૧૦૯ અને ટાઇફોઇડના ૧૨૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૨ દિવસના ગાળામાં ૧૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા.

આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  તરફથી હિટવેવ એક્શન પ્લાનના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ પણ જારી કરવામાં આવી ચુકી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદમાં આજે બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ.................................................... ૪૩.૨

ડિસા............................................................. ૪૧.૮

ગાંધીનગર....................................................... ૪૪

ઇડર............................................................. ૪૨.૬

વીવીનગર.................................................... ૪૨.૫

વડોદરા........................................................ ૪૧.૨

સુરત............................................................ ૩૬.૪

વલસાડ........................................................ ૩૪.૪

અમરેલી....................................................... ૪૩.૨

ભાવનગર..................................................... ૩૯.૯

રાજકોટ........................................................ ૪૩.૫

સુરેન્દ્રનગર................................................... ૪૩.૮

ભુજ.............................................................. ૪૧.૬

નલિયા......................................................... ૩૫.૬

કંડલા એરપોર્ટ.............................................. ૪૫.૩

કંડલા પોર્ટ.................................................... ૩૮.૧

મહુવા........................................................... ૩૭.૪

(8:22 pm IST)