Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

આસોદર-વાસદના સુંદર પાટિયા પાસે સ્કૂટી પર આવેલ બે શખ્સો આઇસર ચાલકને લૂંટી ગયા

આસોદર-વાસદ રોડ ઉપર આવેલા સુંદણ ગામના પાટીયા પાસે ગઈકાલે ભરબપોરના સુમારે બે સ્કુટી પર સવાર થઈને આવેલા બે શખ્સોએ આઈસરને આંતરીને ચાલકને માર મારીને તેની પાસેના રોકડા ૧૨૫૦૦ની લૂંટ કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આંકલાવ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને બે પૈકી એકને સમા-સાવલી રોડ ઉપરથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલો શખ્સ વડોદરાનો રીઢો ગુનેગાર હોવાનું ખુલવા પામ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુળ યુપીનો પરતુ હાલમાં વડોદરાના ભાયલી પાસે રહેતો મોહંમદતોફીક અબ્દુલહકીમ પઠાણ ગઈકાલે પોતાની આઈસર ટ્રકમાં માલ ભરીને ખેડા નજીક આવેલા ગોબલજ પાસેની કોકાકોલા કંપનીમાં ગયો હતો ત્યાં માલ ઉતારીને પરત વાયા આસોદર થઈને આવવા નીકળ્યો હતો.
બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે તે આસોદર-વાસદ રોડ ઉપર આવેલા સુંદણ ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી સ્ક્ુટી નંબર જીજે-૦૬, કેબી-૭૭૧૮ તથા ૨૯૧૧ નંબર ઉપર બે શખ્સો સવાર થઈને આવી ચઢ્યા હતા અને એકાએક આઈસરની ઓવરટેક કરીને આઈસરને ઉભુ રાખવાની ફરજ પાડી હતી. ચાલકે આઈસર ઉભુ કરી દેતાં જ બન્ને શખ્સોએ ચાલક મોહંમદતોફિકને આઈસરમાંથી બહાર ખેંચીને માર માર્યો હતો અને નાક ઉપર મુક્કા મારીને તેમજ શરીરે પણ ઈજાઓ પહોંચાડીને પેન્ટના પાછળના ખીસ્સામા મુકેલા રોકડા ૧૨૫૦૦ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે ચાલકે આંકલાવ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને સ્કુટીના નંબરના આધારે તપાસ હાથ ઘરી હતી જેમાં બન્ને લૂંટારાઓ વડોદરાના રીઢા ગુનેગાર હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસની એક ટીમ તાબડતોબ વડોદરા પહોંચી ગઈ હતી એ સમા-સાવલી રોડ ઉપરથી એક શખ્સને ઝડપી લીઘો હતો. પકડાયેલા શખ્સની પુછપરછ કરતાં બીજા શખ્સનું પણ નામ ખુલવા પામ્યું હતુ જેને લઈને પોલીસે તેને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની તપાસ ચલાવી રહેલા પીએસઆઈ પી. એન. સિંહે જણાવ્યું હતુ કે, પકડાયેલા શખ્સના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન ઓળખ પરેડ સહિતની કામગીરી હાથ ઘરવામાં આવનાર છે. પકડાયેલો શખ્સ અને ફરાર થઈ ગયેલો શખ્સ બન્ને રીઢા અપરાધીઓ છે અને તેમની પુછપરછમાં અનેક ગુનાઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(5:37 pm IST)