Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સરકારે ગુજરાતમાં ૫૦૦ જનઔષધિ સ્ટોર શરૂ કરવા ધારેલા, થઇ શકયા માત્ર ૧૦૨

સરકારના પરિપત્રમાં એકરાર : જરૂરી દવા-સાધનો અનિયમિત અને અપૂરતા : ફ્રેન્ચાઇઝી લેવા કોઇ તૈયાર નથીઃ હવે 'ગ્રીન ફિલ્ડ' પ્રોજેકટ હેઠળ સમાવેશ : સ્ટોરમાં સઘળી સુવિધા એજન્સી આપશે

રાજકોટ તા.૧૬ : રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સંયુકત સચિવ આર.ટી.ક્રિશ્ચિયનની અહીથી તા.૮-૫-૨૦૧૮ના રોજ જનઔષધિ યોજના હેઠળના ફ્રેન્ચાઇઝી મોડલ આધારિત સ્ટોરનું ગ્રીનફિલ્ડ પ્રોજેકટ મુજબ સંચાલન કરવાની મંજૂરી આપતો પરિપત્ર પ્રસિધ્ધ કરેલ છે. જેમાં રાજયમાં જનઔષધિ માટે સરકારના ૫૦૦ શાખા ખોલવાના લક્ષ્યાંક સામે માત્ર ૧૦૨ જ ખોલી શકાયાનો એકરાર કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, સામાન્ય માનવીને આરોગ્ય વિષયક દવાઓ અને સાધનો પોસાય તેવા દરે સરળતાથી મળી રહે જેનેરીક દવાઓના સ્ટોર્સને પ્રોત્સાહન મળે તે માટે રાજય સરકાર દ્વારા દિન દયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર્સ યોજના અમલમાં મુકેલ છે. આ યોજનાનો વ્યાપ વધારવા સારૂ તેમજ ખાનગી ક્ષેત્રને પણ આ યોજનામાં સમાવી લેવાય તે હેતુસર ફ્રેન્ચાઇઝી સ્ટોરની યોજના અમલમાં મુકેલ છે. આ યોજના અંતર્ગત વર્તમાન સમયમાં રાજયમાં ૧૦૨ જેટલા ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ કાર્યરત છે.

આ સ્ટોર્સમાં દવાઓ અને સાધનોના સપ્લાય બાબતે જીએમએસસીએલ દ્વારા એચએલએલ કંપની સાથે એમઓયુ કરવામાં આવેલ છે. જે મુજબ ઉકત કંપની સંચાલીત અને ફ્રેન્ચાઇઝી સ્ટોર્સમાં દવાઓ અને સાધનોનો સપ્લાય એચએલએલ કંપની તથા તેની સાથે જોઇન્ટ વેન્ચરથી જોડાયેલ કંપની દ્વારા કરવામાં આવે છે. અને આ સ્ટોર્સના સંચાલન માટે એચએલએલ કંપની દ્વારા ફ્રેન્ચાઇઝીને કમિશન ચુકવવામાં આવે છે. વધુમાં ઠરાવ અને એમઓયુની શરતો મુજબ જેનેરીક દવાની ખરીદ કિંમત તેમજ સ્ટોરના વહીવટી સંસ્થામાં થતા ખર્ચ ઉત્પાદન ૧૨% થી વધુ નહિ તેવા માર્જીન પર આ દવાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. તેમજ આ સ્ટોરના સંચાલનમાં થતા નુકશાનની જવાબદારી ગુજરાત સરકારની રહેશે. તેવી જોગવાઇ કરવામાં આવેલ છે.

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, દીન દયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર્સ યોજના શરૂ થયા પછી તેના સંચાલનમાં અત્યાર સુધીનો અનુભવમાં  ઘણી મુશ્કેલીઓ જોવા મળી છે, જેમ કે, જરૂરી દવાઓ અને સાધનોનો અનિયમિત અને અપુરતા પ્રમાણમાં સપ્લાય, જરૂર કરતા વધારે સપ્લાયને કારણે સ્ટોરમાં પડી રહેલ વણ વપરાયેલ દવાઓ, ડીપોઝીટ કરતા વધુ પ્રમાણમાં સપ્લાય અને કમિશનની વહેચણી અને તેમાં વધારા બાબતના પ્રશ્નો, સોફટવેરના પ્રશ્નો, નફાનું ઓછુ ધોરણ વગેરે. ઉકત મુશ્કેલીઓને કારણે ઘણા સ્ટોર નોનવાયેબલ બન્યા છે. તેમજ નવી ફ્રેન્ચાઇઝી લેવા માટે કોઇ તૈયાર નથી. જેના કારણે સરકારના રાજયમાં કુલ ૫૦૦ જેટલા ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ તાત્કાલીક ધોરણે કાર્યરત કરવાના લક્ષ્ય સામે માત્ર ૧૦૨ જેટલા સ્ટોર્સ જ કાર્યરત થઇ શકયા છે. પરંતુ લોક હિતાર્થે આ યોજના ચાલુ રાખવી પણ અત્યંત જરૂરી છે. આથી, ઉકત મુશ્કેલીઓ દૂર કરી ફ્રેન્ચાઇઝી આધારિત જેનરીક દવાઓના સ્ટોર્સને સફળ બનાવવા તેની સંચાલન કાર્ય પધ્ધતિમાં કેટલાક સુધારા કરવા અનિવાર્ય બનેલ છે.

દિનદયાલ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર્સની જેમ ભારત સરકારમાં અમૃત પ્રોજેકટ અમલમાં છે. આ પ્રોજેકટ હેઠળ દેશના જૂદા જૂદા ૨૦ રાજયોમાં ૧૦૭ જેટલા સ્ટોર્સ કાર્યરત છે. જે જેનરિક દવાઓ ઉપરાંત જીવનરક્ષક એવી બ્રાન્ડેડ દવાઓ પણ પૂરી પાડે છે. અમૃત પ્રોજેકટ હેઠળ ગ્રીન ફીલ્ડ પ્રોજેકટમાં ભાગીદારી કરેલ સંસ્થા દ્વારા માત્ર સ્ટોર્સની જગ્યા ફાળવવામાં આવે છે. અન્ય બાંધકામ તથા સ્ટોર્સને સુસજજ કરવાની કામગીરી અધિકૃત કરેલ એજન્સીની રહે છે. આ પ્રોજેકટ અંતર્ગત અન્ય તમામ પ્રકારના સંચાલન તેમજ વ્યવસ્થાની જવાબદારી અધિકૃત કરેલ એજન્સીની રહે છે. તેમજ અમૃત યોજના અંતર્ગત દવાઓનું ડીસ્કાઉન્ટ ૪૪% થી ૯૪% સુધીનુ હોઇ શકે છે.

અમૃત યોજનાના ગ્રીનફીલ્ડ પ્રોજેકટ વિશેની ઉકત માહિતી ધ્યાને લેતા દિનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર્સ યોજના હેઠળના ફ્રેન્ચાઇઝી મોડલ આધારિત સ્ટોર્સને ગ્રીનફીલ્ડ પ્રોજેકટ હેઠળ આવરી લઇ શકાય તેમ છે. સ્ટોર્સ માટે જગ્યા, ઇન્ફ્રાસ્ટ્રકચર અને સ્ટોર્સને સુસજજ કરવાની તથા સંચાલનની સંપુર્ણ જવાબદારી ફ્રેન્ચાઇઝીની છે. અમૃત સ્ટોર્સના ગ્રીનફીલ્ડ પ્રોજેકટ સાથે સામ્ય ધરાવે છે.

આથી દિનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર્સ યોજના હેઠળના ફ્રેન્ચાઇઝી મોડલ આધારીત સ્ટોર્સને અમૃત પ્રોજેકટના ગ્રીનફીલ્ડ પ્રોજેકટ હેઠળ મુકવા સરકારે ઠરાવ કરેલ છે.(૪૫.૯)

(2:14 pm IST)