Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પંજાબમાં કોંગ્રેસી શાસન હોવાથી રાજકીય મતભેદ બાધારૂપ ન બને તે માટે નલીન કોટડીયાની ધરપકડ માટે સીઆરપીસી-૭૦ મુજબનું વોરન્ટ સીઆઇડી માટે અનિવાર્ય

કેવો યોગાનુયોગઃ અનંત પટેલ માફક નલીન કોટડીયા ધારીના એજ સ્થળોએથી સીઆઇડીના દરોડામાં હાથ ન આવ્યા

રાજકોટ, તા., ૧૬: સુરતના વિવાદાસ્પદ બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી કરોડોના બિટકોઇન્સ ટ્રાન્સફર કરાવી લેવાના ચકચારી મામલામાં ધારીના પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયાની ભુમીકા ચોક્કસ પુરાવાઓને કારણે સ્પષ્ટ બનતી જતી હોવાથી સીઆઇડી દ્વારા નલીન કોટડીયાને તમામ મોરચે ઘેરવાના ભાગરૂપે ધારીના જંગલ વિસ્તારમાં એક ફાર્મ હાઉસ તથા એક ગૌશાળામાં દરોડો પાડયો હતો. જો કે, ત્યાં મળી આવ્યા ન હતા.

યોગાનુયોગ બાબત એ છે કે, અમરેલીના પુર્વ એલસીબી પીઆઇ અનંત પટેલ કે જેઓ અપહરણ અને બિટકોઇન્સ મામલામાં મુખ્ય વિલન હતા. તેઓ ભાગેડુ બન્યા ત્યારે આજ સ્થળોએ તેને શોધવા સીઆઇડીએ દરોડા પાડેલા. પરંતુ સીઆઇડી ટુકડી પહોંચે તે પહેલા જ તેઓ અલોપ થઇ ગયા હતા. આમ નલીન કોટડીયાના મામલે આ બાબતનું પુનરાવર્તન થયું છે.

સીઆઇડી દ્વારા ૩-૩ વખત સમન્સ બજાવવા છતા હાજર ન થનારા પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા રાજય બહાર અને મોટેભાગે પંજાબ (ચંદીગઢ)માં એક મિત્રને ત્યાં છુપાયા હોવાનું ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયાના માર્ગદર્શનમાં ચાલતી ટેકનીકલ સર્વેલન્સમાં વિગત ખુલતા પંજાબમાં વ્યાપકપણે સીઆઇડી ટીમો મોકલવી જરૂરી બની છે.

એ વાત જાણીતી છે કે પંજાબમાં કોંગ્રેસનું શાસન છે અને ગુજરાતમાં ભાજપનું. આરોપી નલીન કોટડીયાની તલાશમાં કે તેની ધરપકડમાં આ રાજકીય મતભેદો આડા ન આવે તે માટે સીઆઇડીએ આઇપીસી કલમ-૭૦ મુજબનું સતાવાર ધરપકડ વોરન્ટ મેળવવા સેસન્સ કોર્ટમાં પહોંચી હતી. સેસન્સ કોર્ટે કાલે ગુરૂવાર સુધીનો સમય મુકરર કર્યો છે.

એમ કહેવાય છે કે, સીઆઇડીએ સીઆરપીસી કલમ-૭૦ મુજબનું વોરન્ટ મેળવવા અદાલતમાં જે કારણો રજુ કર્યા છે. તેમાં નલીન કોટડીયા રાજકીય વગ ધરાવતી વ્યકિત હોવાની રજુઆત આડકતરી રીતે કર્યાની ચર્ચા છે.

સુત્રોની વાત માનીએ તો રાજકીય વગને કારણે જ ૩-૩ વખત સમન્સ મોકલવા છતાં તેઓ સીઆઇડીના સમન્સને માન આપતા નથી.  સીઆઇડી દ્વારા જે બીજી રજુઆતો નલીન કોટડીયાની ધરપકડ માટે જે અન્ય કારણો રજુ થયા છે તેમાં સરકીટ હાઉસમાં અપહરણ અને બિટકોઇન્સની લગતી જે બેઠક મળી હતી તે બેઠક અને અમરેલીમાં પુર્વ એસપી જગદીશ પટેલ સાથે ભાગબટાઇની મીટીંગ અને કોલ્સ ડીટેઇલમાં પુર્વ ધારાસભ્યની સંડોવણીના પુરાવા મળવા બાબતે તથા ચોક્કસ રકમ મેળવ્યાની બાબતે પણ ચોક્કસ પુરાવાઓ સાંપડયા હોવાનું કહેવાયું છે.  ટુંકમાં કહીએ તો પુર્વ ધારાસભ્યની ધરપકડ માટે સીઆઇડી માત્ર હવામાં જ વાતુ કરતી નથી, ચોક્કસ પુરાવા હોવાનું સેસન્સ અદાલતને કન્વીન્સ કરાવવા ભરચક્ક પ્રયાસો થયા છે.

સીઆઇડીએ સેસન્સ કોર્ટમાં નલીન કોટડીયાને રાજકીય વગ ધરાવતી વ્યકિત ગણાવ્યા ?

રાજકોટઃ નલીન કોટડીયા સામે સતાવાર ધરપકડ માટે સેસન્સ અદાલતમાં સીઆઇડીએ જે કાંઇ કારણો રજુ કર્યા છે તેમાં પુર્વ ધારાસભ્યને તેઓ રાજકીય વગ ધરાવતી વ્યકિત હોવાનું જણાવ્યાની પોલીસ તંત્રમાં ભારે ચર્ચા ચાલે છે.

એમ કહેવાય છે કે સીઆઇડીએ આડકતરી રીતે ઉકત બાબતનો ઉલ્લેખ કરી નલીન કોટડીયા સીઆઇડીના ૩-૩ સમન્સને પણ માન ન આપતા હોવાનું પણ જણાવ્યું છે. સુરત સરકીટ હાઉસમાં થયેલી એક બેઠક, પુર્વ એસપી સાથેની મહત્વની બેઠક અને નાણાની લેવડ-દેવડની તમામ હકિકતો ઝડપથી મેળવવાની હોવાથી ધરપકડ કરવી અનિવાર્ય હોવાનું જણાવ્યું છે.

સેસન્સ અદાલત વોરન્ટ ઇસ્યુ કરશે તો એક અનોખો વિક્રમ સર્જાશે

રાજકોટઃ ધારીના પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયાની ધરપકડ માટે સીઆઇડી દ્વારા વિવિધ કારણો રજુ કરી સીઆરપીસી કલમ-૭૦ મુજબ વોરન્ટ ઇસ્યુ કરવા માટે રજુઆત કરી છે. સીઆઇડીની અરજી સંદર્ભે સેસન્સ અદાલતના જજશ્રીએ તાકીદે કોઇ નિર્ણય કરવાને બદલે આવતીકાલની તારીખ મુકરર કરી છે.

ગુજરાતના કોઇ પુર્વ ધારાસભ્ય સામે ખંડણીના કેસમાં ધરપકડનું વોરન્ટ ગુજરાત પોલીસને અર્થાત સીઆઇડીને આપવામાં આવશે તો અનોખો વિક્રમ સર્જાશે. ભુતકાળમાં ખંડણી ઉઘરાવવાના મામલે સેસન્સ અદાલતે કોઇ પુર્વ ધારાસભ્યના કિસ્સામાં વોરન્ટ આપવાનો અનોખો  વિક્રમ સર્જાઇ જશે તેવું ગુજરાતના પોલીસ તંત્રના જાણકારો તથા તજજ્ઞ કાનુનવિદો માની રહયા છે.  આમ આવતીકાલે સેસન્સ અદાલત દ્વારા જાહેર થનારા ચુકાદા તરફ આતુરતાભરી મીટ મંડાઇ છે.

કાલે સેસન્સ અદાલત નલીન કોટડીયાની બાબતે શું નિર્ણય લેશે? સર્વત્ર આતુરતાભરી મીટ

રાજકોટઃ સીઆઇડી દ્વારા પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયાની ધરપકડ બાબતે સેસન્સ અદાલતમાં સીઆરપીસી કલમ-૭૦ મુજબ વોરન્ટ મેળવવા કરેલી અરજીનો ચુકાદો સેસન્સ અદાલતના ન્યાયમુર્તિ શ્રીએ આવતીકાલ ગુરૂવાર પર મુલત્વી રાખ્યો છે.

આવતીકાલે સેસન્સ અદાલત નલીન કોટડીયાની ધરપકડ મુદ્દે વોરન્ટ આપશે કે કેમ? એ બાબતે રાજયભરના રાજકીય વર્તુળો તથા ગુજરાતભરના પોલીસ તંત્રમાં આતુરતાભરી મીટ મંડાઇ છે. આમ હવે નલીન કોટડીયાનો મામલો દિવસેને દિવસે વધુને વધુ ચર્ચાસ્પદ બની રહયો છે.

(12:38 pm IST)