Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

આનંદીબહેન રજા પરઃ ઓપી કોહલીને MPનો વધારાનો ચાર્જ

ગાંધીનગર તા. ૧૬ : ગુજરાતના રાજયપાલ ઓમ પ્રકાશ કોહલને મંગળવારના રોજ મધ્યપ્રદેશના રાજયપાલનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલ સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબહેન પટેલ હાલમાં રજા પર હોવાથી ગુજરાતના રાજયપાલ ઓપી કોહલીને વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજયપાલ ઓમ પ્રકાશ કોહલીને મધ્યપ્રદેશના રાજયપાલનો વધારાનો પ્રભાર સોંપ્યો છે. ઓપી કોહલી મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબહેન પટેલની ગેરહાજરીમાં પોતાની જવાબદારી સાથે વધારાનું કાર્ય કરશે.

ગુજરાતના રાજયપાલ ઓપી કોહલી ફરી એક વખથ મધ્યપ્રદેશના રાજયપાલ થોડા સમય માટે બનશે. તેઓ આજરોજ રાજભવન ભોપાલ ખાતે એકવાર ફરી શપથગ્રહણ કરશે. તેઓ માત્ર ૧૫ દિવસ માટે મધ્યપ્રદેશના રાજયપાલનો વધારાનો પ્રભાર સંભાળશે.

રાજભવન કાર્યલાય તરફથી મળતી જાણકારી મુજબ આનંદીબહેન પંદર દિવસ માટે વિદેશ પ્રવાસે જઇ રહ્યાં છે. એક મળતા અહેવાલ મુજબ આનંદીબહેન ૨ જૂને પરત ફરશે અને ફરી મધ્યપ્રદેશના રાજયપાલનો પદભાર ગ્રહણ કરશે. ઓપી કોહલી હાલમાં ગુજરાતના રાજયપાલ છે. આ અગાઉ પણ તેમણે ૮ સપ્ટેમ્બર ૨૦૧૬થી ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ સુધી મધ્યપ્રદેશના રાજયપાલનો વધારાનો પ્રભાર સંભાળ્યો હતો.(૨૧.૯)

(11:59 am IST)