Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રૂપાણીના નેતૃત્વમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે બેઠક

નિમણૂંક પ્રક્રિયા વધુ ઝડપથી હાથ ધરાશેઃ ટાઉન પ્લાનિંગ કામગીરી ગતિશીલ અને પારદર્શી તેમજ ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે ઘણા નિર્ણય

અમદાવાદ,તા. ૧૫, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યમાં ટાઉન પ્લાનિંગની કામગીરીને ગતિશીલ અને સચોટ બનાવવાના અભિગમરૂપે ટીપી સ્કીમ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શહેરીકરણ અને શહેરી વિકાસ આયોજન ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ બની રહે તેવી નેમ સાથે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યના ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે પ્રગતિમાં હોય તેવી અંદાજે ૪૨૫ જેટલી ટીપી સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા ઝુંબેશ ચલાવવામાં આવશે. રાજ્યમાં વધુ પ્રમાણમાં ટીપી સ્કીમની કાર્યવાહી થઇ રહી છે તેવા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મહાનગરોમાં ત્વરિત નિર્ણાયકતા માટે સિનિયર ટાઉન પ્લાનર કક્ષાના અધિકારીની નિયુક્તિ કરવાનો મહત્વનો નિર્ણય પણ આ ેઠકમાં લેવામં આવ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ટીપી સ્કીમમાં લાંબા સમય સુધી રજૂઆતોને કારણે જે વિલંબ થાય છે તે અટકાવવા ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈઓ અનુસાર એક માસ સુધીના જ વાંધાઓ ધ્યાને લેવાશે. સમયાવધિ બાદ મળેલા વાંધા સૂચનો કે રજૂઆતો હવે ધ્યાને લેવાશે નહીં. મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ ધરાવે છે અને રાજ્યશાસનનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ તેઓ સુદ્રઢ સુવ્યવસ્થિત શહેરી વિકાસ આયોજનમાં ભ્રષ્ટાચાર રહિત પારદર્શીતાની નેમ સાથે સમગ્ર તંત્રનું સતત માર્ગદર્શન કરતા રહ્યા છે. નગર આયોજન-નગર નિયોજનની કામગીરીને રાજ્યમાં વધુ પારદર્શી અને ઝડપી બનાવવા તેમજ ટીપી સ્કીમની જટિલ પ્રક્રિયાઓના સરળીકરણ માટે અને વિવિધ તબક્કે બેવડાતી કામગીરી અટકાવવાનો પણ એક જનહિતલક્ષી નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. તદ્નુસાર અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા ખાતેની પ્રાદેશિક કચેરીઓના કર્મચારી મહેકમને તબદીલ કરી રાજ્યકક્ષાએ તેમની સેવાઓ ઉપયોગમાં લેવાશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને વધુ મેનપાવરથી સજ્જ કરવા અને વ્યાપક નાવવા ૭૦ જેટલા જુનિયર ટાઉન પ્લાનરની નિમણૂંક પ્રક્રિયા ત્વરાએ પૂર્ણ કરવા સૂચના આપી હતી. સીધી ભરતીથી નિમણૂંક થયેલા ૨૦ જેટલા જુનિયર ટાઉન પ્લાનરને તાત્કાલિક નિમણૂંક આપી દેવા પણ તેમણે સુચવ્યું હતું.

વિજય રૂપાણીએ રાજ્યની મહાનગરપાલિકાઓ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તેમજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી જેવા તંત્રવાહકોને પણ ટીપીના પરામર્શ માટે સમયમર્યાદા નક્કી કરી વિલંબ નિવારવા સૂચનાઓ આપી હતી.

(10:02 pm IST)