Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પાટણના રાધનપુરની હોસ્પિટલમાંથી નવજાત બાળકને કુતરૂ ઉપાડી ગયુંઃ ડોક્ટર કહે છે બાળક મૃત હતું, પરિવારજનો કહે છે જીવિત બાળકને કુતરૂ ઉપાડી ગયું

પાટણઃ પાટણની રાધનપુર હોસ્પિટલમાંથી તાજુ જનમેલું નવજાત બાળક ગુમ થયું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. તબીબના કહેવા પ્રમાણે બાળક મૃત જનમ્યું હતું. જ્યારે માતાનો દાવો છે બાળક મૃત નહિં પરંતુ જીવિત હતું. જેને લઈને તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

રાધનપુરની આસ્થા હોસ્પિટલ આમ તો અનેકવાર તબીબી સારવારમાં થતી ભૂલોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે બાળક ગુમ થવાના સમચાર સામે આવતા તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. ડૉકટરના કહેવા પ્રમાણે બાળક જન્મ્યું ત્યારે મૃત અવસ્થામાં હતું અને મૃત બાળકને પરીવારજનોના કહેવા પ્રમાણે બીજા વોર્ડમાં રાખવામાં આવ્યું હતું. સાથે જ ડૉક્ટરનું કહેવું છે કે મૃત બાળકને હોસ્પિટલના રૂમમાંથી કુતરું ઉપાડી ગયું છે. સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ કે જ્યારે પરિવારજનોએ બાળકના મૃતદેહ માટે કર્મચારીઓ પાસેથી માંગ કરી.

આમ આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હંગામો મચાવ્યો હતો. પરિવારજનોએ મૃતદેહની માગ કરી છે. પરંતુ હોસ્પિટલના કર્મચારીઓના અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યાં છે. કારણ કે હોસ્પિટલના સ્ટાફે પરિવારજનોને એવું જણાવ્યું કે બાળકના મૃતદેહની વિધિ કરાઈ ગઈ છે. તો તબીબે જણાવ્યું કે બાળકના મૃતદેહને શ્વાન કે બિલાડી ઉઠાવી ગયા છે. જેથી હોસ્પિટલના મુખ્ય તબીબ અને સ્ટાફના અલગ અલગ નિવેદનથી હોસ્પિટલમાં ક્યાંક ખોટી પ્રવૃતિ ચાલતી હોવાની આશંકા ઉભી થાય છે. બાળકની માતાએ પોતાના બાળકની માગ કરી છે અને જ્યાં સુધી બાળક નહિં મળે ત્યાં સુધી હોસ્પિટલ નહિં છોડવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી છે.

'મેં મારા બાળકને જોયું પણ નથી. મને મારૂ બાળક બતાવો. મારૂ બાળક જીવતું હતું. ભલે મૃત હોય કે જીવિત મને મારૂ બાળક આપો. જ્યાં સુધી બાળક નહિં મળે ત્યાં સુધી હું ઘરે નહિ જાવું.'

'મોડી રાત્રે પ્રસુતિ થઇ ત્યારે બાળક મૃત જન્મ્યું હતું. તેમના પરિવારજનોને બતાવ્યું. અને તેમને કહ્યું કે બાળકને હાલ રાખો. એટલે અમે બાજુના રૂમમાં બાળકના મૃતદેહને રાખ્યો. પણ પછી રાત્રે જયારે સ્ટાફ આઘો પાછો હશે. ત્યારે કુતરા કે બિલાડી બાળકના મૃતદેહને લઇ ગયા હોઈ શકે. બાળક ગુમ કરવાનો કોઈ ઈરાદો નથી.'

જો કે રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન માતાનું તબીબની લાપરવાહી અને બેદરકારીના કારણે મોત થયું હોય તેમજ બાળક ગુમ થયું હોય એવા પહેલા પણ ઘણા બનાવો બની ગયા છે. પરંતુ તબીબ સ્થાનિક કોર્પોરેટર અને રાજકીય બાબતે મોટી વગ ધરાવતો હોવાથી કાયદાના સકંજા માંથી યેનકેન પ્રકારે છટકવામાં સફળ રહ્યો છે. હાલ તો બાળકના મોત મામલે અને ગુમ થવાના મામલે પોલીસ તપાસ કરી રહી છે.

(7:29 pm IST)