Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રૂપિયા ૩૦૦ના ભાડા માટે વડોદરામાં કારમાલિકની ગોળી ધરબી દઇને હત્યા કરનાર ૩ ઝડપાયા

વડોદરાઃ વડોદરાના અેક વ્‍યક્તિની અેક્સપ્રેસ હાઇવે ઉપર ગોળી મારીને હત્યા કરવાના બનાવમાં પોલીસે ૩ શખ્‍સોની ધરપકડ કરી છે.

નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરાના રહીશની ગોળી મારી હત્યા બનાવમાં તે દિવસે શહેરમાંથી રિવોલ્વર સાથે પકડાયેલા શખ્સ અને અન્ય બે આરોપીની સંડોવણી ખૂલી છે. વડોદરાથી પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ત્રણ આરોપીને રૂપિયા ૩૦૦ ના વધારાના ભાડાની ગાડી માલિક સાથે તકરાર થતા ગોળી મારી તેની હત્યા કરી હોવાની કબૂલાત મુખ્ય આરોપીએ કરી છે. જો કે તેની કબૂલાત સામે પણ અનેક શંકા પ્રવર્તી રહી છે.

મૂળ વડોદરાના અને અમદાવાદ ખાતે નોકરી કરતા સંજયકુમાર તારાચંદ ચાંગ ૮ મેના રોજ અમદાવાદ જવા નીકળ્યા હતા ત્યારે વડોદરા એક્સ. હાઇવે પરથી પેસેન્જરના સ્વાંગમાં દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવ (રહે.અમરોલી રોડ, જય અંબે સોસાયટી, પાંડેસરા, સૂરત. મૂળ રહે. યુ.પી),જયપાલ ઉર્ફે જપો કાનાભાઇ ઢીલા (આહિર) (રહે.કરદેજ ચોરા પાસે,તા.જિ.ભાવનગર) તથા કલ્પેશભાઇ ઉર્ફે કપો નાથાભાઇ કોતર (આહિર)(રહે.સીંદસર મેઘાનગરી,તા.જી.ભાવનગર) રિવોલ્વર સાથે ગોઠવાયા હતા. અને નડિયાદ નજીક સંજયને તિક્ષ્‍ણ હથિયારના ઘા મારી અને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાના દોઢ કલાક બાદ દિનેશ નડિયાદમાંથી રિવોલ્વર સાથે ઝડપાતા હત્યામાં તેની સંડોવણી મજબૂત બની હતી. આખરે પોલીસની તપાસમાં દિનેશ સહિત ત્રણની સંડોવણી ખૂલી હતી.

ત્રણેય શખ્સો ૮મી મે, ૧૮ ના રોજ સુરતના વેલંજાથી દુમાડ વડોદરા ખાતે આવ્યા હતા, અને ભાવનગર જવા માટે દુમાડ ચોકડી પાસે ઉભા હતા. તે વખતે ત્યાંથી પસાર થઇ રહેલા સંજયભાઇએ કાર ઉભી રાખી હતી અને એક જણના ૨૦૦ રૂ. લેખે અમદાવાદ ઉતરવા ભાડું નક્કી કર્યું હતું. પરંતુ નડિયાદ આવતાં પહેલા પૈસા ન હોઇ ભાડુ ૧૦૦ રૂ. લેખે રૂ.૩૦૦ આપવાનું જણાવતા સંજયભાઇ અને આરોપીઓ વચ્ચે તકરાર થઇ હતી જે દરમિયાન ગાડીમાલિકે છરો બતાવતા તે છરાથી આરોપીઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન કુખ્યાત દિનેશે રિવોલ્વરમાંથી તેમના પેટમાં ગોળી મારી દીધી હતી.

પોલીસ તપાસમાં ઝડપાયેલ દિનેશ સામે સુરત, વડોદરા, ભાવનગર, ભરૂચ, અંકલેશ્વર સહિત રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી તથા મારામારીના ૩૫ થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જ્યારે જયપાલ ઉર્ફે જપો વિરૂધ્ધ ધંધુકા, ભાવનગર, સૂરત ખાતે ઘરફોડ ચોરી, વાહન ચોરી તથા મારામારીના ૧૦ જેટલા ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં આ શખ્સોની અન્ય ગુનાઓમાં સંડોવણી બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

(7:26 pm IST)