Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડુઃ કરા સાથે અનેક જગ્‍યાઅે કમોસમી વરસાદ

અમદાવાદઃ ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડુ ફુંકાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયુ છે. ધોમધખતા તાપ વચ્‍ચે વરસાદ વરસતા થોડી વાર માટે ગરમીથી રાહ તમળી હતી.

જો કે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, સોમવારે ઉત્તર ગુજરાતમાં આવેલા વાવાઝોડાને ઉત્તર ભારતની સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. ઉત્તર ગુજરાતને બાદ કરતાં રાજ્યના અન્ય ભાગમાં ગરમીનો કેર યથાવત્ રહ્યો. હવામાન વિભાગની નજર હેઠળના 23 સ્થળોમાંથી 11 સ્થળોએ ગરમીનો પારો 40 ડિગ્રીથી વધારે રહ્યો.

રાજ્યના હવામાન વિભાગના સીનિયર હવામાનશાસ્ત્રી મનોરમા મોહંતીએ જણાવ્યું કે, “ઉત્તર ગુજરાતમાં બદલાયેલા હવામાનનું કારણ રાજસ્થાન અને દિલ્હીમાં પડેલો વરસાદ-આંધી બિલકુલ નથી. આ સ્થાનિક પરિસ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિ રાજ્યના બીજા કોઈ ભાગમાં આગળ નથી વધી.

સોમવારે કંડલા એરપોર્ટ 43.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધારે ગરમ શહેર રહ્યું. 42.4 ડિગ્રી તાપમાન સાથે સૌરાષ્ટ્રનું અમરેલી શહેર રાજ્યનું બીજું સૌથી ગરમ સ્થળ હતું. અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાંથી રાહત મળી. અમદાવાદમાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ, જે સામાન્ય કરતાં 0.6 ડિગ્રી ઓછી હતી. જ્યારે શહેરનું લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી હતું જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધારે હતું. અમદાવાદમાં રવિવારે સૌથી વધારે 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 64 ટકાથી 31 ટકા વચ્ચે રહ્યું જેના કારણે બફારો થતો હતો.

મંગળવારે અમદાવાદનું તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સોમવારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગર અને ઈડરમાં વાદળછાયા વાતાવરણ સાથે ઝડપથી પવન ફૂંકાયો હતો. અરવલ્લીના ભિલોડા અને બનાસકાંઠાના ડીસા સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ધૂળની ડમરીઓ સાથે કરા પડ્યા હતા. આ ઉપરાંત મહેસાણા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં ઉત્તરપશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

(7:19 pm IST)