Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કતાર ગામમાં ખાનગી શાળામાં કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું

૭૫ ઑક્સિજન બેડની સુવિધા કરાઈ : કતારગામ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેને લઇ ખાનગી સ્કૂલમાં મિત્ર વૃંદ કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું છે

સુરત,તા.૧૬ : સુરતમાં દિવસેને દિવસે કોરોના બેકાબૂ બની રહ્યો છે. વિવિધ ઝોનમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. આથી શહેરની હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. શહેરના કતારગામ ઝોનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેને લઇને ખાનગી સ્કૂલમાં મિત્ર વૃંદ કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું છે. અહીં ૭૫ ઓક્સિજન બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. સુરતના કોરોનાનું સંકરણ વધી રહ્યું છે. કોરોના દરરોજ પોતાનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સર્જી રહ્યો છે, હવે તો ૨૪ કલાકમાં ૨,૦૦૦ જેટલા કેસો નોંધાવાની આશંકા સેવાઈ રહી છે. કોરોનાનું સંક્રમણ વધવાને લઈને શહેરની તમામ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. બીજી તરફ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. જેના પગલે સુરતમાં વિવિધ વિસ્તારોમાં કોવિડ સેન્ટરો ઊભા કરવામાં આવી રહ્યા છે. સમાજની વાડીઓ, ખાનગી શાળાઓમાં કોવિડ કેર સેન્ટર ઊભા કરાઈ રહ્યા છે.

કતારગામ ઝોનમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ૨૪ કલાકમાં માત્ર કતારગામ ઝોનમાં ૧૦૦થી વધુ કેસો નોંધાયા છે. કોરોનાનું સંક્રમણ વધવાની સાથે હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે ત્રણથી ચાર લાકનું વેઈટીંગ ચાલી રહ્યું છે. જેના પગલે ખાનગી શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. કતારગામના મિત્ર વૃંદ પરિવાર દ્વારા આ કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું છે. આ સેન્ટરમાં ૭૫ ઓક્સિજન બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે, આ ઉપરાંત  ભોજન સહિતની તમામ વસ્તુઓ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કતારગામના ધારાસભ્ય વીનુ મોરડિયાએ પોતાનો એક મહિનાનો પગાર પણ આપ્યો છે. કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે લોકોએ સાવચેત થવાની જરૂર છે.

(9:29 pm IST)