Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કાયદાઓનો છડેચોક ભંગ કરનારા સાંસદ પાટીલનું સભ્યપદ રદ કરો : લોકસભાના સ્પીકર સમક્ષ માંગણી

5 હજાર રેમડેસીવીર ઇન્જેંકશનના મામલે શરૂ થયેલો વિવાદ વણસ્યો: એ.આઇ.સી.સી.ના પૂર્વ મહામંત્રી અને મધ્યપ્રદેશના ઇન્ચાર્જે લોકસભા સ્પીકર સમક્ષ કરી માંગ

નવી દિલ્હી :કોરોનાના કાળા કેર વચ્ચે સુરતમાં 5 હજાર રેમડેસીવીર ઇન્જેંકશનનો જથ્થો પોતાના કબ્જામાં રાખીને વેચાણ કરવાના ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલના પગલાંનો ભારે વિરોધ થતો જાય છે. આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ( એ.આઇ.સી.સી. )ના પૂર્વ મહામંત્રી અને મધ્યપ્રદેશના ઇન્ચાર્જ દીપક બાબરિયાએ પાટીલની કાયદાનો છડેચોક ભંગ કરવા બદલ તાત્કાલિક ધરપકડ કરીને તેમનું સભ્યપદ રદ કરવાની લોકસભાના સ્પીકર સમક્ષ માંગ કરી છે.

તેમણે જણાવ્યું છે કે, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં સદંતર નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારની સાથે કોરોનાની જીવનરક્ષક દવા રેમડેસીવીર ઇન્જેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ગુનાહીત કુત્ય સામે કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં રીટ અરજી કરી છે તે આવકારદાયક છે. અમને આશા છે કે, હાઇકોર્ટ ન્યાયતંત્રના પોતાના ઉચ્ચ આદર્શો અને સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને દેશના ન્યાયતંત્રમાં કાયદાની દ્દષ્ટિએ તમામ નાગરિકો સમાન છે તે સિધ્ધાંતનો અમલ કરી ભાજપના પ્રમુખ સામેની રીટમાં કોઇપણ ચમરબંધી કાયદાથી ઉપર નથી એવા લોકશાહી અભિગમને અનુરૂપ પોતાની ઉચ્ચ પ્રણાલિને વળગીને ગુણદોષના આધારે પ્રજાના હિતમાં ન્યાય આપશે. એક સાથે 5 હજાર ઇન્જેંકશનો ગેરકાયદે સંગ્રહ કરીને કોરોનાના દર્દીઓને બાનમાં લેવાનો ગુનો આચરનારા પાટીલ સામેની રીટમાં હાઇકોર્ટ દ્વારા ન્યાય મળવાની આશા રાખી છે.

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ કોરોનામાં ડોકટરો દ્વારા અપાતાં ઇજેંકશન રેમડેસિવીરનો 5 હજારનો જંગી જથ્થો સંગ્રહ કરીને પોતે કાયદાની ઉપર છે એમ પુરવાર કરીને હું જ સરકાર મને પૂછનાર કોણ એવું વલણ બતાવીને પોતાની જ સરકારની કિંમત બે નહીં પણ એક કોડીની કરી નાંખી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ પત્રકાર પરિષદમાં કહેવું પડયું કે, સી.આર.ને પૂછો કે ઇજેંકશન કયાંથી લાવ્યા.. એક બાજુ પ્રજાને આ પ્રકારના ઇન્જેંકશન મળતા નથી અને પાટીલને આખો જથ્થો મળે છે તેનો મતલબ કે પાટીલ રૂપાણી સરકારને ખિસ્સામાં લઇને ફરતા હોય તેવું ચિત્ર લોકોના મનમાં ઉપસી રહ્યું છે. એક સામાન્ય દવાની ટીકડી પણ વેચવી હોય તો કાયદેસરનું લાયસન્સ મેળવવું પડે તેના બદલે 5 હજારની કિંમતના જીવન જરૂરી ઇન્જેંકશનો કે જેને મેળવવા માટે હજારો લાચાર લોકો ભરતડકામાં લાઇનોમાં ઊભા રહીને વલખાં મારતાં હતા તે ઇન્જેંકશનનો જથ્થો પાટીલે ભાજપ કાર્યાલયમાં ગેરકાયેદ સંઘરીને તમામ કાયદાઓના ધજિયાં ઉડાવી ખુલ્લેઆં ડ્રગ્સ કાયદાનો ભંગ કર્યો છે. રૂપાણી સરકારે પાટીલથી ડરી જઇને પાટીલની સામે ડ્રગ્સ કાયદા હેઠળ ગુનો નોંધવાની હિંમત બતાવી નથી. તેથી વિપક્ષના નેતાને પ્રજાના હિતમાં હાઇકોર્ટના દ્વાર ખટખટાવવાની ફરજ પડી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, સી.આર. પાટીલ લોકસભાના સીનીયર સાંસદ પણ છે. સંસદમાં કાયદો ઘડનાર એક સાંસદ થઇને તેમણે મહામારીમાં જીવનરક્ષક દવાનો જથ્થો કોઇપણ જાતની કાયદાકીય પ્રક્રિયા અને મંજુરી વગર ગેરકાયદે પક્ષના કાર્યાલયમાં સંગ્રહ કરીને કેટલાંય કોરોના દર્દીઓના જીવ જોખમમાં મૂકવાનું જે અધમ કુત્ય કર્યું છે તે બદલ પોલીસે તેમની તાકીદે ધરપકડ કરવી જોઇએ.

માસ્ક નાકથી સહેજ નીચે સરકી જાય તો સામાન્ય લોકો પર લાઠીઓ વરસાવનારા શૂરા બહાદુર પોલીસ પાટીલની જીવનરક્ષક દવાની ગેરકાયદે સંગ્રહખોરી બદલ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાની હિંમત બતાવે. એટલું જ નહં પણ ગુનાહીત કુત્ય આચરવા બદલ લોકસભાના સ્પીકરે પાટીલનું સભ્યપદ રદ કરવું જોઇએ. સંસદસભ્ય બનવાથી તેમને કાંઇ અમર્યાદિત સત્તા મળી જતી નથી.

બાબરિયાએ વધુમાં એમ પણ જણાવ્યું કે, ભાજપને 25 વર્ષ સત્તા પર બેસાડનારા ગુજરાતના લોકોને ભાજપે કોરોના કાળમાં પણ સારવારથી લઇને સ્મશાન સુધી લાંબી લાંબી લાઇનોમાં ઊભા રાખવા સિવાય કાંઇ આપ્યું નથી. હવે સમય આવી ગયો છે કે, ન્યાયતંત્ર આ સત્તાના મદમાં છાકટા થયેલા ભાજપના સત્તાધીશોને બંધારણ અને કાયદાની સર્વોપરિતા અને તેના સન્માન માટેનું ભાન કરાવે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે.

(8:43 pm IST)