Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પ્રાઈવેટ હોસ્પિટલમાં ICU કે વેન્ટિલેટર ખાલી જ નથી

શહેરમાં કોરોના મહામારીનો ભારે કહેર : શહેરમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં ૮૬૫ ICU બેડ વીધાઉટ વેન્ટિલેટર, ૪૦૫ આઈસીયુ વીથ વેન્ટિલેટર હાલ કાર્યરત

અમદાવાદ, તા. ૧૬ :  શહેરમાં સતત વધતા કોરોનાના કેસો વચ્ચે હવે એવી સ્થિતિ આવી ગઈ છે કે એકેય પ્રાઈવેટ હોસ્પિટલમાં આઈસીયુ કે વેન્ટિલેટર ખાલી નથી રહ્યા. પ્રાઈવેટ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સના એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, શહેરમાં પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં ૮૬૫ આઈસીયુ બેડ વીધાઉટ વેન્ટિલેટર અને ૪૦૫ આઈસીયુ વીથ વેન્ટિલેટર હાલ કાર્યરત છે. જોકે, તેમાંથી ખાલી બેડની સંખ્યા માત્ર ૪ રહી છે.

અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં આઈસીયુ વીધાઉટ વેન્ટિલેટરના ૮૬૫માંથી ૮૬૩ બેડ ફુલ થઈ ગયા છે, જ્યારે ૪૦૫ આઈસીયુ વીથ વેન્ટિલેટરમાંથી ૪૦૩ હાલ ફુલ છે. માત્ર ક્રિટિકલ દર્દીઓ જ નહીં, પરંતુ આઈસોલેશનમાં હોય કે પછી હાઈ ડિપેન્ડન્સી યુનિટમાં સારવાર લઈ રહ્યા હોય તેવા દર્દીઓની સંખ્યા પણ ખૂબ જ વધી જવાથી ભાગ્યે જ કોઈ હોસ્પિટલમાં હાલ જગ્યા રહી છે.

શહેરની પ્રાઈવેટ હોસ્પિટલોમાં ૨૦૮૩ આઈસોલેશન બેડ કાર્યરત છે. જેમાંથી ૧૯૧૪ ભરાઈ ગયા છે, અને હાલ માત્ર ૧૬૯ જ ખાલી છે. જ્યારે હાઈ ડિપેન્ડન્સી યુનિટના ૨૧૩૫ બેડમાંથી ૨૦૩૨ બેડ એટલે કે ૯૫ ટકા બેડ ફુલ થઈ ચૂક્યા છે, અને માત્ર ૧૦૩ બેડ જ ખાલી છે. અમદાવાદની વિવિધ પ્રાઈવેટ કોરોના હોસ્પિટલમાં કુલ ૫૪૮૮ બેડ કાર્યરત છે, જેમાંથી ૫૨૧૨ એટલે કે, ૯૫ ટકા બેડ ભરાઈ ગયા છે, અને માંડ પાંચ ટકા જ ખાલી રહ્યા છે.

એક તરફ કેસો વધવાના કારણે સરકારી હોસ્પિટલોમાં પહેલાથી જ દર્દીઓને લઈને આવેલી એમ્બ્યુલન્સો કલાકો સુધી વેઈટિંગમાં ઉભી રહે છે. તેવામાં ઘણા દર્દીઓ આવી કોઈ હાલાકી ના ભોગવવી પડે તે માટે પોતાના ખર્ચે સારવાર કરાવવા માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ થવાનું પસંદ કરતા હોય છે. જોકે, હવે તો અમદાવાદમાં એવી સ્થિતિ છે કે રુપિયા ખર્ચવાની તૈયારી હોવા છતાંય દર્દીને લઈને તેમના પરિવારજનોએ એકથી બીજી હોસ્પિટલમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. તેમાંય જો દર્દીની હાલત ગંભીરહોય તો આઈસીયુ બેડ શોધવામાં તો વધુ હાલાકી ભોગવવી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ અમદાવાદના ડોક્ટરોએ સીએમ રુપાણીને પત્ર લખીને ચેતવણી આપી હતી કે હોસ્પિટલો ઓક્સિજનની ભયાનક તંગીનો સામનો કરી રહી છે. જેના કારણે દર્દીઓની સારવાર કરવામાં પણ ડૉક્ટરોને તકલીફ પડી રહી છે. ખાસ કરીને ઓક્સિજનના અપૂરતા જથ્થાને કારણે જે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી તે જ એક પ્રશ્ન બની ગયો છે. ડૉક્ટર્સે એમ પણ કહ્યું હતું કે જો સ્થિતિ ના સુધરી તો મૃત્યુઆંક વધી શકે છે. જો ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત થશે તો ડૉક્ટરો પર હુમલા થવાનો પણ ડર છે. આમ થયું તો ડૉક્ટરોને હોસ્પિટલ બંધ કરી દેવાની ફરજ પડશે.

(7:31 pm IST)