Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

વડોદરા પંથકમાં કોરોના મૃતકોની અસ્થિઅો સાથે સોના-ચાંદીની વસ્તુઅો દાગીના એકત્ર કરવા વિશ્વામીત્રી નદીના ઘાટ ઉપર શ્રમજીવીઅોની કતારો લાગી

વડોદરા: કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની અસ્થિઓ સોના ચાંદીની વસ્તુઓ અથવા તો દાગીનાઓ એકત્ર કરવા માટે વિશ્વામિત્રી નદીના ઘાટ પર શ્રમજીવીઓની કતારો લાગી રહી છે. શ્રમજીવીઓ નદીની રેતી બહાર કાઢી કાઢીને તેમાં શોધખોળ કરી રહ્યા છે. તેઓ સોના ચાંદીના દાગીના મળી જાય તેવી આશાએ રેતી તપાસી રહ્યા છે. મૃત્યુ પામનાર વ્યક્તિનાં મોઢામાં તુલસીના પાન પર સોનાની અથવા ચાંદીની વસ્તુઓ રાખવાની પરંપરા છે. ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર બાદ તેના અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે.

જો કે હાલ કોરોના કાળમાં આ પરંપરા ભુલાઇ ચુકી છે. વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામતા લોકોના મૃતદેહો હોસ્પિટલમાંથી જ કિટમાં ફીટ કરીને સિદા જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનારા વ્યક્તિએ પહેરેલી સોના ચાંદીની વસ્તુઓ સાથે જ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. સોના ચાંદીની વસ્તુઓ શોધવા વિશ્વામિત્રી નદીના કિનારે શ્રમજીવીઓ અસ્થિઓને ચારણીમાં ચાળીને શોધવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. મોટા પ્રમાણમાં શ્રમજીવીઓ કિનારે રેતીમાં ઉથલપાથલ કરી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, પરિવારના લોકો કોરોનાના ડરથી પોતાના પ્રિયજનના અસ્થી લેવા માટે પણ જતા નથી. તેવામાં સ્મશાનોમાં કામ કરી રહેલા વ્યક્તિઓ અસ્થિઓની પોટલીવાળીને સમય મળ્યે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વિસર્જીત કરી દે છે. તેવામાં કેટલાક લોકોને વસ્તુ મળી હોવાની સ્થિતીમાં હવે મોટા પ્રમાણમાં લોકો નદીની રેતી કાઢીને તેમાં સોનુ કે ચાંદી મળી જાય તેવી આશાએ રેતી ખંખોલી રહ્યા છે.

(4:40 pm IST)