Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

વલ્લભ વિદ્યાનગર પાલિકાએ ઓકસીજન બાટલાના ગોડાઉન ખુલ્લા મુકી દીધા

દર્દીઓને ઓકસીજન બાટલા અને કીટ વિનામુલ્યે : ખાલી બાટલા પરત કરતા ડીપોઝીટ પણ પાછી આપી દેવાય છે : રાજકોટ - સૌરાષ્ટ્રમાં આવી વ્યવસ્થા કોઇ ગોઠવશે?

આણંદ તા. ૧૬ : કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક ઓકસીજન સીલીન્ડર  અને કીટ મળી રહે તે માટે વલ્લભ વિદ્યાનગર પાલિકાએ દાખલો બેસાડયો છે. રાજકોટ સૌરાષ્ટ્રમાં પણ આવી વ્યવસ્થા થાય તો લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.

મળતી વિગતો મુજબ કોરોનાના દર્દીઓની સંખ્યા દીનપ્રતિદિન વધી રહી છે. દર્દી અને તેમના સગાઓ હોસ્પિટલની રઝળપાટ કરતા જોવા મળે છે. ખાસ કરીને ઓકસીઝન મળતુ નથી ત્યારે મોટી દોડધામ કરવી પડે છે.

આવી સ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા દ્વારા જરૂરતમંદ કોરોનાના દર્દીઓ માટે ઓકસીજન સીલીન્ડર અને તે માટેની કીટ પુરી પાડવા પ્રેરક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફકત રૂ.૧૦૦૦ જમા કરવાની સાથે જ તેઓને તેઓને ઓકસીજન સીલીન્ડર આપી દેવામાં આવે છે. જે જરૂરીયાત પુરી થયે સીલીન્ડર પરત નગરપાલીકાને જમા કરાવતાની સાથે જ ભરેલ ડીપોઝીટની રકમ પરત આપી દેવામાં આવે છે.

આમ સંપૂર્ણ નિઃશુલ્ક ધોરણે ઓકસીજન પુરો પાડવા આ વ્યવસ્થા અમલી બનાવાઇ હોવાનું નગરપાલીકાના ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ છે.  લોકો આવી મદદ માટે મહેન્દ્રભાઇ જે. પટેલ મો.૯૨૨૭૭ ૦૩૪૫૪ અથવા ચંદ્રકાન્ત એન. પટેલ મો.૯૦૯૯૯ ૪૨૬૦૭ નો સંપર્ક કરી શકે છે.

જરૂરીયાતના સમયે વલ્લભવિદ્યાનગર નગરપાલિકાએ દાખવેલ આવી ઉદારીકરણની નીતિ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ અપનાવવામાં આવે તેવી લોક લાગણી ઉઠી છે.

(12:59 pm IST)