Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ભાજપાની સરકારના કાર્યકાળમાં સમગ્ર દેશમાં ભૌતિક સુવિધાઓ અને લોકોના જીવન ધોરણમાં નોંધપાત્ર તફાવત:નોંધાયો: વિજયભાઇ રૂપાણી

ગામડાઓ સુધી ગરીબોને પાકા મકાનો, શૌચાલય, પીવાના પાણી અને વીજળી જેવા પ્રાણ પ્રશ્નોને હલ થયા :સુત્રપાડા-માળિયામાં જનસભા સંબોધતા મુખ્યમંત્રી રૂપાણી

જૂનાગઢ :મુખ્યમંત્રી વિજયભાઈ  જુનાગઢ લોકસભાના સુત્રાપાડા અને માળીયા ખાતે જંગી જનસભાને સંબોધીત કરતા જણાવ્યું હતું કે, આઝાદીના ૬૫ વર્ષ પછી પણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો પાયાની સુવિધાઓથી વંચિત હતા. ભાજપાની સરકારે હમેશા ગરીબોને કેન્દ્ર સ્થાને રાખી તમામ નીતિઓ અને યોજનાઓનું આયોજન કર્યું છે. ૨૦૧૪ પછીની  ભાજપાની સરકારના કાર્યકાળમાં સમગ્ર દેશમાં ભૌતિક સુવિધાઓ અને લોકોના જીવન ધોરણમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે.

   પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બન્યાં બાદ પ્રાથમિક્તાના ધોરણે ગામડાઓ સુધી ગરીબોને પાકા મકાનો, શૌચાલય, પીવાના પાણી અને વીજળી જેવા પ્રાણ પ્રશ્નોને હલ કરવાના પ્રયાસો યુધ્ધના ધોરણે હાથ ધરાયા. આઝાદી મળ્યા બાદ કોંગ્રેસ જ સૌથી વધુ સત્તામાં રહી છે, પરંતુ કોંગ્રેસે ગરીબોના પાયાના પ્રાણ પ્રશ્નોની ક્યારેય ચિંતા કરી નથી અને હમેશા ગરીબી દુર કરવાના પોકળ વાયદાઓ કરીને ગરીબો સાથે અન્યાય જ કર્યો છે.

     શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તમે આપેલા એક વોટથી ગરીબોને ઘર મળ્યા, વિજળીથી વંચિત ગામડાઓને વીજળી મળી, મહિલાઓને આરોગ્યના હાનિકારક ધુમાડાથી મુક્તિ અપાવવા માટે ગેસ સિલિન્ડર મળ્યા, ગરીબોના સ્વાસ્થ્યની ચિંતા કરી તેમને રૂ. પાંચ લાખ સુંધી મફત સારવારનો અધિકાર મળ્યો, વિશ્વનો સૌથી સસ્તો રૂ. બે લાખનો જીવન વીમો મળ્યો. આ બધા કાર્યો  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમની દીર્ઘદ્રષ્ટી અને  સક્ષમ નેતૃત્વને કારણે જ શક્ય બન્યા છે. દેશ પહલા કરતાં અનેક ઘણો સ્વચ્છ અને મજબૂત બન્યો છે.

   શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના રક્ષામંત્રી શ્રી એ. કે. એન્ટોનીએ કહ્યું હતું કે, સરકાર પાસે બજેટ ઉપલબ્ધ નથી તેથી રાફેલ તો શું નાનું જેટ પણ ખરીદી ના શકીએ, ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંપૂર્ણ પારદર્શકતાથી રાફેલ ડીલ પણ કરી, અને એસ-૪૦૦ પણ ખરીદી લીધું. આખરે કોંગ્રેસના સમયમાં દેશના પૈસા ક્યાં જતા હતાં ? કોંગ્રેસ કહે છે કે, અમે સત્તામાં આવીશુ તો જમ્મુ કાશ્મીર માંથી સેના ઓછી કરીશું, જ્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જમ્મુ કાશ્મીરમાં સેનાને ૨૫૦૦ બુલેટપ્રુફ સ્કોર્પીયો તથા આધુનિક શસ્ત્રો અને ઉપકરણો આપ્યાં છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી પુન: વડાપ્રધાન બને તો ૨૦૨૪ સુધીમાં ભારતીય સેના વિશ્વમાં સૌથી શક્તિશાળી સેના બનશે.

    શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૪ પછી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનો ખૂબ જ વિકાસ કરીને ભારતીય અર્થ વ્યવસ્થાને ખૂબ જ આગળ લઇ ગયા છે. ભારતીય અર્થ વ્યવસ્થામાં ફ્રાંસને  પાછળ રાખીને ભારત વિશ્વમાં નં. ૬ બન્યું છે. દેશને માટે આ એક સન્માનનીય બાબત છે. નવા ભારતના નિર્માણ માટે મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવેલી વંદે ભારત એક્ષપ્રેસ (ટ્રેન ૧૮) જે દિલ્હી અને વારાણસી વચ્ચે દોડનારી પ્રથમ સ્વદેશી સેમી હાઇસ્પીડ અને સ્વ સંચાલીત ટ્રેન છે. આ ટ્રેનનો દેશમાં વધારે ઉપયોગ થવાની સાથે વૈશ્વિક સ્તરે તેની નિકાસ ભારત કરશે. ટ્રેનની મહત્તમ સ્પીડ ૧૬૦ કિ. મી. રાખવામાં આવી છે. જેના કારણે પ્રવાસના સમયમાં મહત્વપૂર્ણ ઘટાડો થશે, તેવી જ રીતના જાપાનના સહયોગથી અમદાવાદ મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. આનાથી અમદાવાદ મુંબઇ વચ્ચે પ્રવાસનો સમય ૮ કલાકથી ઘટીને ૨ કલાક થશે.

    વિજયભાઇ રૂપાણીએ  અંતમાં જણાવ્યું હતું કે, આપણને ગૌરવ થવુ; જોઇએ કે, ગુજરાતનો એક પનોતો પુત્ર જે આપણા દેશનું નામ વિદેશોમાં પણ ઉજ્જવળ કરે છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીને હજુ પણ આવા ગૌરવવંતા કાર્યો કરવા માટે આપણે રાજેશભાઇ ચુડાસમાને જંગી બહુમતીથી વિજયી બનાવીને દિલ્હી મોકલવા છે.

   વિજયભાઇ રૂપાણીની સુત્રાપાડા અને માળીયા (હા.) ખાતેની આ જનસભાઓમાં લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમા, લોકસભા બેઠકના પ્રભારી, ઇન્ચાર્જ, ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, જીલ્લા સંગઠનના હોદેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

(9:12 pm IST)