Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કોંગ્રેસ હવે સુપ્રીમ કોર્ટના નામે પણ જુઠ્ઠાણા ફેલાવી પ્રજાની આંખમાં ધૂળ નાખે છે : વિજયભાઇ રૂપાણી

પહેલાં ગ્લોબલ વોર્નિંગ માટે ભારતને જવાબદાર ગણવામાં આવતું આજે ભારતને ચેમ્પિયન ઓફ ધ અર્થનો પુરસ્કાર અપાઈ છે :ઉનામાં જનસભાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણી

જૂનાગઢ ;આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમાના સમર્થનમાં ઉના ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી ભાજપા કે કોંગ્રેસ પૂરતી સિમીત નથી, પરંતુ દેશ કોના હાથમાં સલામત છે તે માટેની છે. માં ભારતી જગત જનની બને તેના માટેની છે. એક તરફ ચોકીદાર છે, તો બીજી તરફ ચોરોની જમાત છે. ચોરો ચોકીદારને ચોર કહે છે. રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે નોટીસ આપી છે. કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા વારંવાર નરેન્દ્રભાઇ મોદી ચોર છે, તેવું જુઠ્ઠું અને પાયાવિહોણું નિવેદન કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અમે નરેન્દ્રભાઇ મોદીને કદી ચોર કહ્યાં જ નથી. કોંગ્રેસ હવે સુપ્રીમ કોર્ટના નામે પણ જુઠ્ઠાણા ફેલાવી રહી છે. સુપ્રીમ કોર્ટે  આ બાબતે રાહુલ ગાંધીને નોટીસ પણ ફટકારી છે. સુપ્રીમ કોર્ટના નામે રાહુલ ગાંધી પ્રજાની આંખમાં ધૂળ નાંખી રહ્યાં છે.  

શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રમાણીક અને પરીશ્રમી વડાપ્રધાન છે. દિલ્હીમાં ચોકીદાર બનીને દેશની તિજોરી ઉપર કોઇનો કાળો પંજો પડવા દેતા નથી. આ ચોરોની જમાતને આવા પ્રમાણીક અને પરીશ્રમી વડાપ્રધાન પસંદ નથી, તેથી તેઓ વારંવાર મોદી હટાવો.... મોદી હટાવો... કહ્યાં કરે છે. જુઠ્ઠુ બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું આ કોંગ્રેસનો સ્વભાવ છે. કોંગ્રેસની અંદર હારનો ડર પેસી ગયો છે. અગાઉની ચૂંટણીમાં હારી ગયા બાદ ઇ.વી.એમ. ના બહાના કાઢતા હતાં. દેશમાં લોકસભાની પ્રથમ ચરણની ચૂંટણી બાદ તેઓ અત્યારથી જ કહેવા લાગ્યાં છે કે, ઇ.વી.એમ.ના કારણે બી.જે.પી. જીતશે. આ બતાવે છે કે, કોંગ્રેસ હાર ભાળી ગઇ છે. 

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, યુનાઇટેડ નેશને આપણાં વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીને “ચેમ્પિયન ઓફ ધ અર્થ”  નો એવોર્ડ તેમના અદભૂત કાર્ય બદલ આપ્યો છે. આ માત્ર વડાપ્રધાનનું સન્માન નથી, પરંતુ દેશની ૧૩૦ કરોડ જનતાનું સન્માન છે. પહેલાં ગ્લોબલ વોર્નિંગ માટે ભારતને જવાબદાર ગણવામાં આવતું હતું. આજે ભારતને ચેમ્પિયન ઓફ ધ અર્થનો પુરસ્કાર આપવામાં આવે છે, તે દર્શાવે છે કે, નરેન્દ્રભાઇ મોદીએ અથાગ પરિશ્રમ દ્વારા અને દેશહિત અને વિકાસ કાર્યોની હારમાળા સર્જીને ભારત દેશને આ ગૌરવશાળી સન્માન અપાવ્યું છે, જે દેશ માટે નાનીસુની વાત નથી.

  આપણા ઇસરોના વૈજ્ઞાનિકોએ અંતરીક્ષમાં પણ અદભૂત કામગીરી કરી છે. એક સાથે ૧૦૪ સેટેલાઇટ અંતરીક્ષમાં છોડીને ઇતિહાસ સર્જયો છે. જળ, જમીન અને આકાશ ત્રણેય ક્ષેત્રો પરથી સુપરસોનીક મિસાઇલ છોડવાવાળો વિશ્વનો પ્રથમ દેશ ભારત બન્યો છે. વૈજ્ઞાનિકોની આ કુશળ કામગીરીના કારણે અંતરીક્ષ ક્ષેત્રમાં પણ ભારતની ખ્યાતિ વધી છે. 

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપા સર્વધર્મ સમભાવની ભાવના રાખીને ૧૩૦ કરોડ દેશવાસીઓના કલ્યાણની વાત કરે છે. જ્યારે માત્ર કોંગ્રેસ સત્તાની લાલચમાં તુષ્ટીકરણની રાજનીતી કરે છે. કોંગ્રેસે એક કોમને મતના મશીન તરીકે જોઇને ચૂંટણી જીતવા માટે તેનો ઉપયોગ કરે છે. કોંગ્રેસે મુસ્લિમ સમાજનો વિકાસ ક્યારેય કર્યો જ નથી. જ્યારે ભાજપા “સૌનો સાથ સૌનો વિકાસ” એ મંત્ર સાથે કાર્ય કરી રહી છે. આ જાતિવાદ - વંશવાદ- સંપ્રદાયવાદથી ભારતને મુક્ત બનાવવાનું સ્વપ્ન આપણાં રાષ્ટ્રભક્ત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સેવી રહ્યાં છે.

    શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ૬ કરોડ ગુજરાતીઓનો વિકાસ કર્યો. તેમાં રાજ્યમાં વસતાં તમામ જાતિઓના લોકોનો સમાવેશ થાય છે. તેમને કદી કોઇપણ જ્ઞાતિઓ વચ્ચે ભેદભાવ રાખ્યો નથી. જ્યારે કોંગ્રેસ હંમેશા કોમ-કોમ, જાતિ-જાતિ, જ્ઞાતિ-જ્ઞાતિને એક બીજા સાથે અથડાવીને અધમ પ્રકારની રાજનીતિ કરી રહી છે. 

શ્રી રૂપાણીએ અંતમાં જણાવ્યું હતું કે, આપણને ગૌરવ થવું જોઇએ કે, ગુજરાતનો એક પનોતો પુત્ર જે આપણા દેશનું નામ વિદેશોમાં પણ ઉજ્જવળ કરે છે. નરેન્દ્રભાઇ મોદીને હજુ પણ આવા ગૌરવવંતા કાર્યો કરવા માટે આપણે  રાજેશભાઇ ચુડાસમાને જંગી બહુમતીથી વિજયી બનાવીને દિલ્હી મોકલવા છે. જેમ દેશમાં આતંકવાદીઓનો સફાયો થઇ રહ્યો છે, તેમ આપણે સૌએ કોંગ્રેસનો સફાયો કરીને આ દેશમાં ફરીથી કમળને સોળે કળાએ ખીલવવું છે. 

શ્રી વિજયભાઇ રૂપાણીની ઉના ખાતેની આ જનસભામાં લોકસભા બેઠકના ઉમેદવાર  રાજેશભાઇ ચુડાસમાં, લોકસભા બેઠકના પ્રભારી, ઇન્ચાર્જ, ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, જીલ્લા સંગઠનના હોદેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(9:05 pm IST)