Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉભરીને આવેલા ૩ યુવા નેતાઓની સ્થિતિ બદલાઇ

અમદાવાદ :2017ના ગુજરાત વિધાનસભા ઈલેક્શન દરમિયાન ઉભરીને ત્રણ યુવા નેતાઓની લોકસભા 2019ની ચૂંટણીમાં સ્થિતિ અલગ બની ગઈ છે. પાટીદાર આંદોલનનો આગેવાન હાર્દિક પટેલ, યુવા ઓબીસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી લોકસભા ચૂંટણી નથી લડી રહ્યા અને ઈલેક્શન પ્રચારમાં પણ તેમની ભૂમિકા બદલાઈ ગઈ છે.

ત્યારની પરિસ્થિતિ...

ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં પોતાના સત્તા વિરોધી વલણ અને જાતિ આધારિત પોતાના વિચારોથી ત્રણેય નેતાઓએ લોકોને પ્રભાવિત કરવામાં અને કોંગ્રેસની સીટ 54થી વધારીને 77 સીટ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી હતી. ઈલેક્શનમાં 182 સદસ્યોની વિધાનસભામાં સત્તારુઢ ભાજપ 99 પર સમેટાઈ ગઈ હતી.

હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ તથા અલ્પેશ ઠાકોર ખેડૂતોના આંદોલનથી ઓબીસી નેતા બનીને ઉભર્યા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મેવાણી ઉના દલિતકાંડમાં દલિત યુવકો સાથે થયેલા અત્યાચાર બાદ ઉભરેલા જનાક્રોશનું કેન્દ્ર બનીને પોતાના સમુદાયનો અવાજ બન્યા.

ત્રણેય કોંગ્રેસનો સાથ પકડ્યો. 2017ના વિધાનસભા ઈલેક્શનમાં અલ્પેશ ઠાકોર રાધનપુર સીટથી તથા મેવાણી વડગામ સીટથી કોંગ્રેસના સમર્થનથી નિર્દળીય ધારાસભ્ય બન્યા. હાર્દિક પટેલે એ સમયે રાજકારણમાં પગ ન મૂક્યો, પરંતુ વિપક્ષને સમર્થન કર્યું અને ભાજપના વિરોધમાં જોરદાર પ્રચાર કર્યો. તેમણે પાસના પોતાના સાથી લલિત વસોયાને ધોરાજીમાંથી ટિકીટ અપાવી.

હવેની પરિસ્થિતિ...

હાલ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસથી છેડો ફાડ્યો છે, અને એ વાતથી નારાજ છે કે, તેમને અને તેમના સમર્થકોને લોકસભા ચૂંટણીમાં ટિકીટ આપવામાં ન આવી. મેવાણી ખુદ માટે રાષ્ટ્રીય પ્રોફાઈલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ગત ત્રણ સપ્તાહથી તેઓ ગુજરાત બહાર છે. તેઓ બિહારના બેગુસરાયમાં ભાકપા ઉમેદવાર કનૈયા કુમાર અને બેગલુરુ લોકસભા સીટથી નિર્દળીય ઉમેદવાર પ્રકાશ રાજ માટે પ્રચાર કરી રહ્યાં છે. પ્રકાશ રાજ અભિનેતામાંથી નેતા બન્યાં છે.

રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ તો થયા, પરંતુ વીસનગર તોડફોડ કેસમાં દોષી સાબિત થયા બાદ તેમની લોકસભા ઈલેક્શન લડવાની આશાઓ ધારાશાયી થઈ ગઈ. ત્રણેય યુવા નેતાઓની પરિસ્થિતિ બદલાઈ જવાથી ભાજપ આક્રમક બન્યું છે, અને દાવો કર્યો છે કે, ત્રણેય નેતાઓ દ્વારા પોતાના આંદોલનમાં કોંગ્રેસનો છૂપી રીતે સહારો લેવાને કારણે તેમનો ભાંડો ફૂટી ગયો છે.

હાર્દિક પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાર્દિકને કોંગ્રેસનું સમર્થન હતું. કોંગ્રેસમાં સામેલ થવાને કારણે હવે તેમનો ભાંડો ફૂટી ગયો છે. આ વખતે જો હાર્દિક ઈલેક્શન લડ્યો હોત તો પાટીદાર સમુદાય તેમને હરાવી દેત. પરંતુ કોર્ટના નિર્ણયે તેમને બચાવી લીધો. ભાજપ પ્રવક્તા પ્રશાંત વાલાએ દાવો કર્યો છે કે, પાટીદાર સમુદાયમાં હાર્દિકની વિશ્વસનીયતા હવે રહી નથી. કેમ કે, પહેલા તેમણે કહ્યું હતું કે તેઓ રાજનીતિમાં નહિ આવે, અને હવે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા.

વાલાએ આરોપ લગાવ્યો કે, હાર્દિકે અનેકવાર દાવો કર્યો છે કે, તેઓ રાજનીતિમાં નહિ આવે. પરંતુ પાટીદાર આંદોલનનો ઉપયોગ કરીને તેઓ રાજનીતિમાં આવી ગયા. પાટીદાર સમુદાયને હવે સત્ય હકીકત માલૂમ પડી ગઈ છે. અમે તો વર્ષોથી કહેતા આવ્યા છીએ કે, હાર્દિક કોંગ્રેસનો મુખવટો છે. કોંગ્રેસનું કહેવુ છે કે, હાર્દિકને પાર્ટીમાં સામેલ કરવાથી તેમને ફાયદો થશે, સાથે જ અલ્પેશ ઠાકોરના બહાર જવાથી કોઈ અસર નહિ થાય.

કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલે કહ્યું કે, ભાજપ કંઈ પણ કહી શકે છે, પરંતુ હાર્દિક કોંગ્રેસ માટે સ્ટાર પ્રચારક છે અન તેમના સામેલ થવાથી કોંગ્રેસને ફાયદો થયો છે. મેવાણી પણ અમારી સાથે છે. 2017થી સરખામણી કરવા પર ત્રણેય નેતાઓની પરિસ્થિતિ હવે અલગ થઈ શકે છે, પરંતુ તે કોંગ્રેસની વિરુદ્ધ નહિ જાય.

(5:50 pm IST)
  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST