Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ગુજરાતના ૧૧ જિલ્લાના ૩૮ તાલુકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદ સાથે કરા પડ્યા

સૌરાષ્ટ્ર :ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોટી અસર આજે જોવા મળી છે. બે દિવસના વાદળછાયા વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા વરસાદ બાદ આજે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં બરફના કરા વરસ્યા હતા. સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ભાવનગર, માળીયા મિયાણા, પડધરી, વાંકાનેર જેવા વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ, અનેક ઠેકાણે બરફના કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ હતી, તો બીજી તરફ કેરીને તથા ખેતરના ઉભા પાકને નુકશાન થવાની ભીતી થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. 

ભર ઉનાળામાં રાજ્યના 11 જિલ્લાના 38 તાલુકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, તો સાથે જ અનેક વિસ્તારોમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આ વિશે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઘણા વર્ષો બાદ એપ્રિલ મહિનામાં આવુ વાતાવરણ જોવા મળ્યું છે. સાંજના આંધીવંટોળ, ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. 17 સુધી આ વાતાવરણ યથાવત રહેશે. દરિયા કિનારામાં પવન ફૂકાઈ શકે છે, પણ ભૂભાગમાં પણ આ અસર જોવા મળી શકે છે. આ વરસાદમાં જ આંધી-વંટોળ વધુ આવી શકે છે. પવનની ગતિ વધી છે. પવનની ગતિ જે તરફ છે, ત્યાં વરસાદ વધુ રહેશે. પવનની દિશામાં જે વિસ્તારો આવશે ત્યાં વરસાદ પડશે.

પડધરીમાં વૃક્ષ અને દિવાલ ધારાશાહી

સુરેન્દ્રનગરમાં લોકોને પણ કમોસમી આફતનો સામનો કરવો પડ્યો હતો. મેથાણ ગામે કરા પડ્યા હતા. પડધરીના ખાખડાબેલા ગામે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. કરા પડતા મકાનની દિવાલો ધારાશાહી થઈ ગઈ હતી. ખાખડાબેલા ગામે બરફના કરા પડવાથી ભારે નુકશાન થયું હતું. પડધરીથી મીતાણા રોડ ઉપર વાવાઝોડુ આવતાની સાથે રોડ પર લીમડાનું એક વૃક્ષ ધરાશાહી થઈ ગયું હતું. આ સમયે પડધરી મીતાણા રોડ ઉપર ટ્રાફીક જામ થઇ ગયો હતો. લગભગ 1કલાક સુધી વાહનની અવરજવર બંધ રહી હતી.

વંટોળ-આંધીથી પરેશાન થયા લોકો

કમોસમી વરસાદથી એક તરફ ખેડૂતોના માથે સંકટ આવીને ઉભુ થયું છે. તો બીજી તરફ, અનેક વિસ્તારોમાં ફૂંકાયેલા આંધી અને વંટોળને કારણે લોકોને બહાર નીકળવુ મુશ્કેલ બની ગયું હતું. અનેક જગ્યાઓએ ધૂળની ડમરીઓ ઉડતા લોકોના આંખમાં માટી જવાના બનાવ બન્યા હતા. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું જેવી સ્થિતિ બની ગઈ છે. વિરમગામના આસપાસના વિસ્તારમાં વાવાઝોડું ફૂંકાયું હતું.

મોદીની સભા સ્થળે નુકશાન

સુરેન્દ્રનગર જિલ્લામાં એકાએક ભારે પવન સાથે વાવાઝોડું આવતા પીએમ નરેન્દ્ર મોદીના સભા સ્થળે નુકશાન થયું છે. સભા સ્થળ પર ડોમના પડદા ફાટ્યા, તો સ્પીકરો પણ ઉડ્યા હતા. ડોમમાંથી અનેક પડદા અને પતરાઓ ઉડ્યા હતા.

(5:47 pm IST)
  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST