Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્‍કૂલના સંચાલકોને સુપ્રિમ કોર્ટે લપડાક લગાવ્યા બાદ સસ્પેન્ડ કરાયેલા બાળકોને વાલીઓએ ફૂલહાર પહેરાવી-ફટાકડા ફોડીને સ્‍કૂલે મોકલ્યા

અમદાવાદ :વારંવાર વિવાદોમાં ઘેરાયેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોને સુપ્રિમ કોર્ટે લપડાક લગાવ્યા બાદ સ્કૂલ સંચાલકોએ આખરે સસ્પેન્ડ કરાયેલા તમામ બાળકોને 15 દિવસ બાદ શાળામાં ફરી એકવાર પ્રવેશ આપ્યો છે.  ત્યારે વાલીઓ દ્વારા ફટાકડા ફોડી અને બાળકોને ફૂલનો હાર પહેરાવીને શાળામાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ શાળાએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા વાલીઓ પાસે સુપ્રિમનો ઓગસ્ટમાં ઓર્ડર આવ્યા બાદ જે ફી નક્કી થાય તે ફી 7 દિવસમાં નહિ ભરે તો એડમિશન ઓટોમેટિક કેન્સલ થશે તેવી બાંહેધરી માંગતા ફરી વિવાદ સર્જ્યો છે. ત્યારે કેટલાક વાલીઓએ આ બાંહેધરી પત્રક પર સહી પણ કરી દીધી છે, તો બાકી રહેલા કેટલાક વાલીઓએ હજુ બાંહેધરી પત્રક પર સહી કરી નથી અને તેઓ લિગલ ઓપિનિયન લીધા બાદ શુ કરવું તેનો નિર્ણય કરશે.

સાથે જ વાલીઓએ માંગ કરી છે કે, જો તેમની પાસેથી શાળા દ્વારા બાંહેધરી લેવામાં આવે છે તો શાળા પણ બાંહેધરી આપે કે સુપ્રિમ કોર્ટ જો ફી ઘટાડશે તો શાળા પણ પરત કરવાની થતી ફી 7 દિવસમાં જ વાલીઓને પણ પરત કરી દેશે.

ઉલ્લેખનીય છે કે FRCના આદેશ મુજબની ફી વાલીઓ ભરી ચૂક્યા છે, ત્યારે ફીને લઈને બાંહેધરી માંગવા મામલે સ્કૂલે ફરી એકવાર વિવાદ પેદા કર્યો છે. પરંતુ હાલ તો આખરે તમામ બાળકોને ફરી એકવાર શાળામાં પ્રવેશ મળતા અને તેમનો અભ્યાસ શરૂ થતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

(5:39 pm IST)