Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે અરજીની મુદ્‌તમાં ૧૦ દિ'નો વધારોઃ ૬ મેથી પ્રવેશનો પ્રથમ તબક્કો

રાજકોટ તા.૧૬ :  રાજય સરકારે રાઇટ ટુ  એજયુકેશન હેઠળ ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ અપાવવા માટેની અરજીની મુદતમાં ૧૦ દિવસનો વધારો કર્યો છે હવે રપ એપ્રિલ સુધી ઓન લાઇન અરજી કરી શકાશે.

આજે સંયુકત શિક્ષણ નિયામકે અમદાવાદ શહેર, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગાંધીનગર, જામનગરના શિક્ષણાધિકારીને પત્ર પાઠવી જણાવ્‍યું છે કે, આર. ટી.ઇ. એકટ ર૦૦૯ હેઠળ રપ ટકા મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ માં વિના મુલ્‍યે પ્રવેશ મેળવવા માટે http://rte.orpgujarat.com    પોર્ટલ પર ઓન લાઇન ફોર્મ ભરવાની મુદત તા. ૧પ-૪- સોમવારના રોજ પુર્ણ થતી હતી પરંતુ લોકસભા ચૂંટણીના કારણે કેટલાક અરજદારોને આવકનાં દાખલા મેળવવામાં વિલંબ થતો હોવાની રજૂઆતો રિસીવીંગ સેન્‍ટર ખાતે મળતાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનાં હિતાર્થે ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧પ બદલે તા. રપ-૪ ગુરુવાર જાહેર આવે છે.

ઓન લાઇન  ભરેલ ફોર્મ રીસીવીંગ સેન્‍ટર પર અરજદાર દ્વારા જમા કરાવવાની છેલ્લી તા. ર૬-૪- શુક્રવાર હોઇ નજીકના રીસીવીંગ સેન્‍ટર પર સમય મર્યાદામાં અરજદાર દ્વારા જરૂરી ડોકયુમેન્‍ટ સાથે ફોર્મ જમા કરાવવાના રહેશે.

૫ એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયુ છે. હવે ૨૫ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. રીસીવીંગ સેન્‍ટર દ્વારા સ્‍વીકારાયેલ ઓફલાઈન પ્રવેશ ફોર્મને ઓનલાઈન સબમીટ કરવાની તા. ૫ થી ૨૯ સુધીની છે. ડી.ઈ.ઓ. અને ડી.પી.ઈ.ઓ. તા. ૧ મે સુધી જિલ્લા કક્ષાએ ફોર્મને માન્‍યતા આપવાની કામગીરી કરી શકશે. રાજ્‍યકક્ષાએ આર.ટી.ઈ. હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્‍ડ ૬ મે થી શરૂ થશે. પ્રવેશ માટે ફાળવેલ શાળા ખાતે રૂબરૂ જઈ ડોકયુમેન્‍ટ જમા કરાવવાની છેલ્લી તા. ૧૩ મે છે.

(4:20 pm IST)