Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

સુરતના માંગરોળ તાલુકાના કુમાર છાત્રાલય છાત્રને માર મરાતા ચક્કાજામ

પીએસઆઈ સહિત ૪ પોલીસમેનને ઈજા : સરકારી વાહનોમાં તોડફોડ : રવિવારે બની હતી ઘટના

સુરત, તા. ૧૬ : માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે કુમાર છાત્રાલયમાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓને માંગરોળ પોલીસ દ્વારા માર મારવાના વિરોધમાં રવિવારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વાંકલ ઝંખવાવ રાજય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરતા બંન્ને તરફ વાહનોની લાઇન થઇ ગઇ હતી. માંગરોળ પોલીસ સ્થળ પર આવતા ૪૦૦થી વધુ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસને ધક્કે ચઢાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઈ હતી, તેમજ સરકારી વાહનના કાચ તોડી નાખ્યા હતા. આ દ્યટનાને લઈ સુરત જિલ્લા નાયબ પોલીસ વડા સહિત જિલ્લા પોલીસનો કાફલો તાબડતોડ દોડી આવ્યો હતો.

ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓને વિના વાંકે પોલીસે કેમ માર માર્યો તેનો જવાબ પોલીસ પાસે માંગ્યો હતો અને પોલીસ પર વારંવાર ફોન કરી જવાબ આપવા માંગ કરી હતી. પરંતુ પોલીસે વિદ્યાર્થીઓની વાત ન સાંભળતા રવિવારે બપોરના ૧.૩૦ કલાકે વાંકલ-ઝંખવાવ રાજય ધોરી માર્ગ પર વિદ્યાર્થીઓએ ચક્કા જામ કરી દેતા વાહનોની લાંબી કતાર લાગી હતી. જેથી માંગરોળ પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ અને ઉશ્કેરાયેલા વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી બાદ મામલો વધુ વકર્યો હતો, પોલીસને ધક્કે ચઢાવી હતી, અને વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાઇ જઇ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જે પોલીસમેન અમિતચૌધરીના માથામાં વાગ્યો હતો, તેમજ પી.એસ.આઈ. વી.કે દેસાઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓને નાની મોટી ઇજાઓ થઈ હતી.

(4:12 pm IST)