Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પીએમની સુરક્ષાચક્રનું નિરીક્ષણ કરવા એડી. ડીજી કે.એલ. એન. રાવ સુરેન્દ્રનગર પહોંચ્યા

કાલે સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનના આગમન સંદર્ભે સુરક્ષાચક્ર રચાયું: એસપીજીનું દિલ્હીથી આગમનઃ રેન્જ વડા સંદીપસિંહ દ્વારા જબ્બરદસ્ત બંદોબસ્ત

રાજકોટ, તા. ૧૬ :. લોકસભાની ચૂંટણી આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના બીજા તબક્કાના પ્રવાસમાં કાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ બન્ને પક્ષો માટે પ્રતિષ્ઠાની સીટ સમી સુરેન્દ્રનગરની બેઠકમાં પ્રચારાર્થે આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવા રાજ્યના એડીશ્નલ ડીજીપી કક્ષાના કાર્યદક્ષ આઈપીએસ અધિકારી ડો. કે.એલ.એન. રાવ સુરેન્દ્રનગર પહોંચ્યાનું ટોચના સૂત્રો જણાવે છે.

ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્રભાઈ મુંજપરાના સમર્થનમાં કાલે બપોરે ૪ વાગ્યે યોજાનારી જાહેરસભા સંદર્ભે રાજકોટ રેન્જના વડા સંદીપસિંહ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આઈબી દ્વારા પણ એડવાન્સ સિકયુરીટીલાઈઝનીંગ કરવામાં આવ્યુ છે. આમ જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઈ છે. દિલ્હીથી એસપીજીના ટોચના અધિકારીઓ પણ પહોંચ્યા છે.

(3:57 pm IST)