Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પોલીસમેનથી લઇ પીઆઇ સુધીના અધિકારીઓની રજા મંજુર કરવા સતાનું વિભાજનઃ રાજય સ્થાપના દિ'થી અમલ

ચૂંટણીઓ-તહેવારોમાં પરિવારના ભોગે ફરજાવતા પોલીસ સ્ટાફની રજાની પરેશાનીની સમસ્યાનો અંતે ઉકેલ : અમદાવાદ પોલીસ કમિશ્નરે પહેલ કરીઃ તુર્તમાં રાજયભરમાં અમલ કરવા રાજય સરકારનો અભિગમ

રાજકોટ, તા., ૧૬: તહેવારોના આ દેશમાં સતત તહેવારોની વણજારો વચ્ચે પરિવાર સાથે રહેવાના બદલે સામાન્ય લોકોની સુરક્ષા અર્થે રાત-દિવસ ખડેપગે ફરજ બજાવતા પોલીસ સ્ટાફ તથા પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓને તેમના જરૂરી પારિવારિક પ્રશ્નો સંદર્ભે ખરા અર્થમાં  જયારે રજાની જરૂરત હોય ત્યારે રજા મંજુર કરવાની સતા ધરાવતા સક્ષમ અધિકારીઓ અન્ય કામમાં રોકાયેલ હોય કે બહારગામ હોય તેવા સંજોગોમાં પોલીસ સ્ટાફ તથા પીઆઇની રજા મંજુર કરવામાં પડતી મુશ્કેલીઓનું અંતે નિરાકરણની દિશામાં કદમ મંડાયું છે. અમદાવાદના પોલીસ કમિશ્નરે પહેલ કરી આ કામગીરીનું વિભાજન કર્યુ છે. રાજય સરકાર ટુંક સમયમાં આવા વિભાજન માટેેની માંગણી મંજુર રાખી ગુજરાતભરમાં રજાઓ મંજુર કરવાની કામગીરીના પાવર્સ અન્ય ઉચ્ચ અધિકારીઓને ડેલીગેટ થાય તે માટે સક્રિય બની છે.

અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે હાજર દિવસના ૮૦ ટકાથી વધુ ઘટ્ટ ન થાય તે રીતે રજા મંજુર કરવાની સતા સોંપી છે તેમાં પોલીસમેનની રજા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને ૩૦ દિવસ માટે, તેથી વધારાની રજા મંજુર કરવાની સતા ડીસીપીને અને વિકલ્પે સંયુકત પોલીસ કમિશ્નરને સુપ્રત કરી છે.

પીએસઆઇની ૩૦ દિવસ સુધીની રજા મંજુર કરવાની સતા ડીસીપીને, ૩૦ દિવસથી વધારાની રજા સેકટર વડા/સંયુકત પોલીસ કમિશ્નરને આપી છે. હથિયારધારી-બીન હથિયારધારી પીઆઇની સીએલ રજા ડીસીપી તથા ૧૫ દિવસ સુધીની રજા મંજુર કરવાની સતા સેકટર મારફત સંયુકત પોલીસ કમિશ્નરને અને ૧પ દિવસથી વધુ રજા પોલીસ કમિશ્નર મંજુર કરી શકે તેવો નિર્ણય લેવાયો છે. મદદનીશ પોલીસ કમિશ્નર સીએલ રજા સંયુકત પોલીસ કમિશ્નર તથા અન્ય રજાઓ પોલીસ કમિશ્નર કરી શકશે. વિદેશ પ્રવાસ માટે કોન્સ્ટેબલથી લઇ સબ ઇન્સ્પેકટર સુધી રજા પોલીસ કમિશ્નર ખાતેથી થશે. સિવિલીયન સ્ટાફ સિનીયર કલાર્ક- જુનીયર કલાર્કનીપરચુરણ રજા સંબંધીત ડીસીપી તથા અન્ય રજાઓ પોલીસ કમિશ્નરની મંજુરી બાદ કરવાની રહેશે. માતૃત્વ રજા/પિતૃત્વ રજા ખાસ રજા, વિદેશ અંગેની રજા પોલીસ કમિશ્નર કચેરી દ્વારા થશે. ૧લી મે થી અમલ થશે.

(3:56 pm IST)