Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ 'V' શેપના ગળાવાળા આગળ પાછળ પોલીસ લખેલા ટી-શર્ટ સાથે વીવીઆઈપીઓની સુરક્ષામાં રહેશે

ચૂંટણી સંદર્ભે આવતા મહાનુભાવો સમક્ષ ગુજરાતની અમીટ છાપ પાડવા નવતર પ્રયોગ

રાજકોટ, તા. ૧૬ :. વાયબ્રન્ટ ગુજરાત કે દેશ-વિદેશના મહાનુભાવો જયારે ગુજરાત આવે ત્યારે તેમની સુરક્ષામાં મોખરે રહેતા  ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને લોકસભાની ચૂંટણી સંદર્ભે પ્રચારાર્થે આવતા મહાનુભાવો સમક્ષ ગુજરાત પોલીસની ઉમદા છાપ પડે તે માટે ડ્રેસ કોડમાં ફેરફાર કરાયો છે. અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળતી હતી. તેના બદલે હવે 'વી' શેપના ગળાવાળા બ્લુ ટીશર્ટમાં દેખાશે.

સીબીઆઇ અને એફબીઆઇની માફક ટીશર્ટની પાછળ પોલીસ કેપીટલ અક્ષરમાં લખેલું હશે. આગળ પણ જમણી સાઇડમાં ઉપરના ભાગે પોલીસ એવું લખાણ જોવા મળશે. અત્રે યાદ રહે કે રાજયના હાલના સીઆઇડી વડા આશીષ ભાટીયા જયારે લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોના વડા હતા તે સમયે સર્ચ કરવા જતી સમયે સર્ચ કરનાર અધિકારીઓ એસીબીના અધિકારીઓ જ છે તેવી ઓળખ સ્થાપીત કરવા માટે ખાસ પ્રકારના આઇકાર્ડ સાથે આવા એસીબી લખેલ ટીશર્ટોની પ્રથા અપનાવી હતી. જે ખુબ જ પ્રસંશનીય રહી હતી. દેશ-વિદેશના મહાનુભાવોના બંદોબસ્તમાં રહેતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના આ નવા ડ્રેસકોડથી માત્ર લુક જ નહિ બદલાય. તેઓને મહાનુભાવો સાથે કઇ રીતે વર્તવુ તે બાબતની આ અગાઉના વાયબ્રન્ટ બંદોબસ્તમાં તાલીમ પણ આપવામાં આવી હતી.

(3:56 pm IST)