Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લોકસભાની ચૂંટણીમાં કરશું 'નોટા 'નો ઉપયોગ :રાજ્યના માલધારી સમાજની ચીમકી

-ત્રણ દિવસમાં માંગણી પર ધ્યાન નહીં અપાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી

 

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, વિવિધ સમાજ દ્વારા પોતાની માંગણીઓને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. રાજકીય પાર્ટીઓ દ્વારા જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટો ફાળવવામાં આવે છે. પરંતુ માલધારી સમાજને ટિકિટ ફાળવવામાં આવી નથી. ત્યારે સમાજના યુવાનો દ્વારા આગામી ચૂંટણીમાં ટિકિટ નહીં તો વોટ નહીં ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

  માલધારી સમાજના જીવરાજભાઈ આલે કહ્યું કે, રાજ્યમાં માલધારી સમાજની 9 ટકા જેટલી વસતી છે. પરંતુ રાજકીય પાર્ટીઓ દ્વારા એક પણ માલધારી સમાજના આગેવાનને ટિકિટ આપવામાં આવી નથી. મત મેળવવા હોય ત્યારે માલધારી સમાજનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ટિકિટ આપવાની હોય ત્યારે તેમની અવગણના કરવામાં આવે છે. પરિણામે આવનારા દિવસોમાં માલધારી સમાજ ડિજીટલ સ્વરૂપે સરકારમાં વિરોધ નોંધાવશે.

   સમાજના યુવાનો આજે એકઠા થયા છે. જે તમામ અમારા ડિજિટલ વિરોધમાં સહયોગી થશે. માલધારી સમાજના ઘર-ઘર સુધી સંદેશ પહોંચાડવામાં આવશે, અને આગામી ચૂંટણીમાં આખો સમાજ નોટાનો ઉપયોગ કરે અને શા માટેની મત આપવો તેની માહિતી પૂરી પાડશે.

   સરકાર સામે માંગણીઓ મૂકી છે કે, રાજ્યમાં જિલ્લા અને તાલુકા મથકોએ સમાજના નબળા વર્ગના લોકો માટે છાત્રાલય બનાવવા માટે સરકાર જમીન આપે, ગોપાલક નિગમના બજેટમાં સુધારો કરી રૂપિયા એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવે, દરેક માલધારીની ખેડૂત તરીકેનો દરજ્જો આપવામાં આવે, જ્યારે સમાજના યુવાનો દ્વારા તાજેતરમાં રેલી યોજવામાં આવી હતી. મહેસાણામાં ત્યારે પોલીસ દ્વારા જે કેસ કરવામાં આવ્યા હતા કેસ પરત ખેંચવામાં આવે તેવી અમારી માંગણી છે. સરકાર આગામી ત્રણ દિવસમાં માંગણી ઉપર ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં આંદોલનને મોટું સ્વરૂપ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

(12:32 am IST)