Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કોંગ્રેસની ચાર સીટ હરાવવા ભાજપે અલ્પેશ ઠાકોરને કામ સોંપ્યુ

નવા આક્ષેપને લઇને જોરદાર હોબાળો થયો : અલ્પેશ ઠાકોરે ભાજપ પાસે ૯૦ કરોડ લીધા હોવાનો પણ આક્ષેપ

અમદાવાદ,તા. ૧૫ : હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. બન્ને પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે, તો અમુક નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. હાલ ગુજરાતમાં અલ્પેશ ઠાકોરને લઇને જોરદાર રાજનીતિ ચાલી રહી છે. ત્યારે એકપછી એક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઇ રાજકીય ગલિયારામાં એલફેલ નિવેદનોને લઇ વિવાદ અને રાજકારણ બંને ગરમાયા છે. આજે દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરે એક તબક્કે અલ્પેશ ઠાકોર પર બહુ ગંભીર આક્ષેપ કરતાં વિવાદીત નિવેદન કરી નાંખ્યું હતું કે, કોંગ્રેસની ચાર લોકસભા બેઠક હરાવવા માટે ભાજપે અલ્પેશ ઠાકોરને ઠેકો આપ્યો છે અને અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી રૂ.૯૦ કરોડ લીધા છે. આ નિવેદનને પગલે રાજકીય ખળભળાટ મચી ગયો છે, ખાસ કરીને અલ્પેશ ઠાકોર અને તેના સમર્થકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ છે. દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખે ભાજપ અને અલ્પેશ ઠાકોરને લઇને મોટો આરોપ લગાવતાં ગુજરાતના રાજકારણમાં તેને લઇ હાલ જોરદાર ચર્ચા ચાલી રહી છે. દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંતજી ઠાકોર અલ્પેશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી ૯૦ કરોડ રૂપિયા લીધા છે. બીજી બાજુ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપે કોંગ્રેસની ૪ લોકસભા સીટ હરાવવાનો ઠેકો અલ્પેશ ઠાકોરને આપ્યો છે. જેથી અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલો છે. તેમના આ નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. આજે લાખણીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન વખતે દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને લઇને આ વિવાદિત નિવેદન આપ્યું હતું. આજે લાખાણીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન વખતે ધારાસભ્ય શિવા ભુરીયા, વસંત ભટોળ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખયની છે કે, કોંગ્રેસપક્ષમાં સતત ઉપેક્ષા અને અવગણના થતી હોવાનો બળાપો ઠાલવી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું ત્યારે હવે તેના જ સમાજમાં ખુદ ઠાકોર સમાજના આગેવાનો જ અલ્પેશને નિશાને લઇ રહ્યા છે.

(8:35 pm IST)