Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

હનુમાન જ્યંતિને લઇ શ્રદ્ધાળુ ઉત્સાહિત : તમામ તૈયારીઓ

૧૮મીએ કેમ્પ હનુમાનની ભવ્ય શોભાયાત્રા યોજાશે : હનુમાનની શોભાયાત્રામાં ૨૫થી વધારે ટ્રક, કાર સહિતના નાના મોટા વાહનો અને શ્રેણીબદ્ધ આકર્ષણો રંગ જમાવશે

અમદાવાદ,તા. ૧૫ : આગામી તા.૧૯મી એપ્રિલે ભગવાન શ્રીરામચંદ્રજીના પરમભકત શ્રી હનુમાનજી દાદાની જન્મજયંતિ છે. જેને લઇ શહેર સહિત રાજયભરના હનુમાનજી મંદિરોમાં હનુમાનજયંતિની ઉજવણીને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હનુમાનજયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસ પહેલાં એટલે કે, તા.૧૮મી એપ્રિલના રોજ શહેરમાં શ્રી હનુમાનજી કેમ્પ મંદિર ટ્રસ્ટ દ્વારા કેમ્પ હનુમાનજી દાદાની ૧૭મી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવશે. આ વખતની દાદાની શોભાયાત્રામાં સૌપ્રથમવાર જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે અને દાદાની શોભાયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ વર્ષે કેમ્પ હનુમાનજી દાદાની શોભાયાત્રામાં ૨૫થી વધુ ટ્રકો, ૪૦થી વધુ કાર, ૧૦૦થી વધુ બાઇક-સ્કુટર સહિતના નાના મોટા વાહનો અને અનેક આકર્ષણો પણ રંગ જમાવશે. તા.૧૯મી એપ્રિલે શ્રીરામભકત હનુમાનજી જન્મોત્સવના દિવસે કેમ્પ હનુમાનજી દાદાને ૫૦૦ કિલો દૂધનો હલવો પ્રસાદરૂપે ધરાવવામાં આવશે એમ ટ્રસ્ટના ચેરમેન પાર્થિવભાઇ અધ્યારૂ અને વાઇસ ચેરમેન અરૂણ શાહ અને શોભનાબહેન ત્રિવેદી સહિતના અન્ય ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. શ્રી કેમ્પ હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચૈત્ર સુદ પૂનમ તા.૧૯ એપ્રિલ,૨૦૧૯ના રોજ શ્રી રામભક્ત હનુમાનજી દાદાની જન્મ જયંતિના પ્રસંગે શાહીબાગ કેમ્પ સ્થિત શ્રી હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ભારત દેશમાં હનુમાનજીની આ પ્રકારની યાત્રાની ઉજવણી કયાંય કરવામાં આવતી નથી. કેમ્પ હનુમાનજી મંદિર દ્વારા છેલ્લા ૧૬ વર્ષોથી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવે છે. તા.૧૮મી એપ્રિલે સવારે આઠ વાગ્યે કેમ્પ હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન આર્મીના મેજર જનરલ સંજીવ શર્મા અને જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજી દ્વારા કરાવવામાં આવશે. શોભાયાત્રાનો ઉદ્દેશ એ છે કે, હનુમાનજી દાદા પોતાના જન્મદિન નિમિતે પિતા વાયુદેવતાને પ્રણામ કરવા અને આશીર્વાદ લેવા વાસણા સ્થિત વાયુદેવતાના મંદિરે પધારે છે. સાંજે ચાર વાગ્યાની આસપાસ શોભાયાત્રા વાસણા સ્વામિનારાયણ મંદિરથી વાયુદેવતાજીના મંદિર તરફ જતી હશે તે દરમ્યાન આ પ્રદર્શન જોવા મળશે. શોભાયાત્રામાં અનેક આકર્ષણો પણ રહેશે. તો, યાત્રામાં જોડાનાર હજારો શ્રધ્ધાળુ ભકતો અને નગરજનો માટે ૨૫૦૦ કિલો બુંદી, સીંગની ચીકી, ૨૦ હજાર કેળા, ૫૦૦ કિલો ચણા અને ૨૦૦ કિલો ચોકલેટનો પ્રસાદ પણ વિતરણ કરાશે. તા.૧૮મી એપ્રિલે સવારે આઠ વાગ્યે કેમ્પ હનુમાનજી દાદાની આ ભવ્ય શોભાયાત્રા નિજ મંદિરેથી નીકળી શાહીબાગથી સુભાષબ્રીજ, આશ્રમરોડ, ડિલાઇટ, પાલડી, વાસણા વાયુદેવતાજીના મંદિરે થઇ અંજિલ ચાર રસ્તા, ધરણીધર, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કૂલ, સરદાર પટેલ બાવલા, ઉસ્માનપુરા, જૂના વાડજ થઇ શ્રી કેમ્પ હનુમાનજી નિજ મંદિરે પરત ફરશે. બપોરે ૧૨-૩૦ વાગ્યે વાસણા સ્થિત વાયુદેવતાજી અને અંજની માતાજી મંદિર ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરાયુ છે.

કેમ્પ હનુમાન કાર્યક્રમ

અમદાવાદ, તા. ૧૫ : સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિરના પૂજારી ભૂષણભાઇ પંડિતે જણાવ્યું હતું કે, કેમ્પ હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રા બાદ બીજા દિવસે ચૈત્ર સુદ પૂનમે તા.૧૯મી એપ્રિલે હનુમાનજયંતિના દિવસે શ્રી કેમ્પ હનુમાનજી મંદિર ખાતે દાદાનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે. જેમાં તા.૧૯મીએ સવારે ૬-૩૦ વાગ્યે દાદાની ભવ્ય આરતી, સવારે ૭.૦૦થી ૯.૦૦ દરમ્યાન આવિન રઘુવંશી અને ત્રિવીન રઘુવંશીની વ્યાસપીઠે સુંદરકાંડ પઠન, સવારે ૧૦-૦૦ વાગ્યે દાદાને ૫૦૦ કિલો દૂધનો હલવાનો પ્રસાદ, સવારે ૧૧-૦૦ વાગ્યે મંદિરના શિખરે દાદાની નવી ધજા ચઢાવાશે, બપોરે ૧૨-૦૦થી ૪-૦૦ દરમ્યાન હજારો શ્રધ્ધાળુ ભકતો માટે ખાસ ભંડારો-પ્રસાદ અને સાંજે ૬-૩૦ વાગ્યે દાદાની ભવ્ય આરતી અને એ દિવસે રાત્રે ૧૨ વાગ્યા સુધી દાદાના દર્શન સહિતના વિશેષ આયોજન  સાથે કેમ્પ હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.

(8:36 pm IST)